(એજન્સી) નવી દિલ્હી, તા.૧૯
રાજ્યસભાના ૨૫૦માં સત્રના દિવસે માર્શલોના નવા ડ્રેસ વિશે સેના, પૂર્વ પ્રમુખો અને નેતાઓએ વિરોધ નોંધાવ્યો છે. સૈન્ય ઓફિસરોનું કહેવું છે કે, આ ડ્રેસ આર્મીના બ્રિગેડિયર રેન્ક અને તેમના ઉપરની કેટેગેરીના ઓફિસરોને મળતા ડ્રેસ જેવો છે. આ ડાર્ક બ્લૂ કલરના ડ્રેસમાં રાજ્યસભાના માર્શલ કેપ પહેરીને જોવા મળ્યા છે. જ્યારે જૂના ડ્રેસનો કલર ક્રિમ હતો અને માર્શન પારંપારિક પાઘડી પહેરતા હતા. વેંકૈયા નાયડૂએ કહ્યુ છે કે, નવા યૂનિફોર્મ પર વિચાર કરવામાં આવશે.
પૂર્વ સેના પ્રમુખ જનરલ વીપી મલિકે ટિ્‌વટ કર્યું છે કે, મિલેટ્રી યૂનિફોર્મની નકલ કરવી અને કોઈ બિન સૈન્ય કર્મચારી દ્વારા આ ડ્રેસનું પહેરવું ગેરકાયદેસર છે. આ સુરક્ષા વ્યવસ્થા માટે જોખમ છે. આશા છે કે, ઉપરાષ્ટ્રપતિ વૈંક્યા નાયડૂ, રક્ષામંત્રી રાજનાથ સિંહ અને રાજ્યસભા સચિવાલય દ્વારા ટૂંક સમયમાં કોઈ યોગ્ય નિર્ણય લેવામાં આવશે. આ સિવાય કેન્દ્રીય મંત્રી અને પૂર્વ સેના પ્રમુખ જનરલ વીકે સિંહે પણ માર્શલોનો ડ્રેસ આર્મી જેવો રાખવો ખોટી વાત છે.
માર્શલોનો નવો ડ્રેસ નેતાઓને પણ ગમ્યો નથી. ઘણાં રાજ્યસભાના સભ્યોએ પણ આ વિશે વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે ઉપરાષ્ટ્રપતિને કહ્યું કે, શું રાજ્યસભામાં માર્શલ લો લાગુ કરી દેવામાં આવ્યો છે? આ વિશે સ્પીકર નાયડૂએ કહ્યું કે, કામકાજના સમયમાં અર્થ વગરના સવાલ ન પૂછવા જોઈએ.