ત્રિસ્તરીય સુરક્ષા બંદોબસ્ત હેઠળ કોરોના ગાઈડલાઈન મુજબ ગોઠવાઈ વ્યવસ્થા
(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૯
વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી માટે આવતીકાલે મતગણતરી યોજાવાની હોઈ ચૂંટણી પંચ દ્વારા કડક બંદોબસ્ત વચ્ચે મતગણતરી હાથ ધરવા માટેની તમામ વ્યવસ્થા ગોઠવી દીધી છે. ૩૦ર૪ મતદાન મથકોએ ૬૦.૭પ ટકા મતદાન થવા પામ્યું હોઈ આઠ મતગણતરી કેન્દ્રો ખાતે રપ જેટલા ખંડમાં ૯૭ મતગણતરીના ટેબલ પર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. બપોર સુધીમાં પરિણામો આવી જવાની શક્યતા છે.
ગુજરાતની આઠ વિધાનસભાની પેટાચૂંટણી માટે આવતીકાલે એટલે કે, ૧૦મી નવેમ્બરના રોજ મતગણતરી યોજાશે. આ માટે મતગણતરીની તમામ તૈયારી વહવટી તંત્ર દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે. કોઈ ગેરરીતિ કે અવ્યવસ્થા ન થાય તે માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે. ગુજરાતની અબડાસા, મોરબી, ધારી, કરજણ, ગઢડા, કપરાડા, લીંબડી અને ડાંગ બેઠક પર ત્રીજી તારીખના રોજ ચૂંટણી યોજાઈ હતી. કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામા બાદ આ બેઠકો પર ચૂંટણી આવી હતી. આવતીકાલે મતગણતરીમાં ૮૧ ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે.
વર્તમાન કોવિડ-૧૯ની પરિસ્થિતિ ધ્યાને લઈને ચૂંટણી પંચની ગાઈડલાઈન્સ મુજબ પ્રત્યેક વિધાનસભા મત વિભાગ માટે દરેક હોલમાં ટેબલની સંખ્યા મર્યાદિત રાખવામાં આવેલ છે અને એક કરતા વધુ હોલમાં મતગણતરીનું આયોજન કરવામાં આવેલ છે. આ માટે વધારાના મદદનીશ ચૂંટણી અધિકારીઓની પણ નિયુક્તિ કરવામાં આવેલ છે. મતગણતરી કેન્દ્ર ખાતે પ્રવેશ મેળવનાર ઉમેદવાર તેમના એજન્ટ, ફરજ પર નિયુક્ત સ્ટાફ સહિતની પ્રત્યેક વ્યક્તિના શરીરનું તાપમાન માપવા માટે પૂરતી સંખ્યામાં થર્મલ ગન અને મતગણતરી માટેના કર્મચારીઓ/અધિકારીઓ માટે એન-૯પ માસ્ક, ફેસ શિલ્ડ, રબર હેન્ડ ગ્લોવ્ઝ અને સેનિટાઈઝર્સની વ્યવસ્થા કરવામાં આવેલ છે. મતગણતરી માટેના હોલમાં પણ ઉમેદવાર, તેમના એજન્ટ ફરજ પર નિયુક્ત સ્ટાફની બેઠક વ્યવસ્થા સામાજિક અંતર જળવાય તે રીતે જ સુનિશ્ચિત કરવામાં આવેલ છે. મતગણતરીની કાર્યવાહીની શરૂઆત કરતાં પહેલાં મતગણતરી માટેના હોલ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સેનિટાઈઝ કરવામાં આવશે. આ ઉપરાંત કેન્દ્રો ખાતે ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. આઠ વિધાનસભા બેઠક માટે મતગણતરીના કુલ રપ ખંડ ઊભા કરાયા છે અને તેમાં ૯૭ ટેબલ રાખવામાં આવ્યા છે. કુલ ૩ર૦ કર્મચારી મતગણતરીમાં જોડાશે, એમ પંચની યાદી દ્વારા જણાવાયું છે.
Recent Comments