વડોદરા, તા.૧પ
વડોદરા તેમજ પંચમહાલ જિલ્લામાં આવેલી વિવિધ કંપનીઓમાંથી કોપર સહિત અન્ય સામાનની ઉઠાંતરી કરતી ગેંગના સાત સાગરીતો તેમજ ભંગારના બે વેપારીને જિલ્લા એલસીબીએ ઝડપી પાડ્યા છે.આ અંગેની વિગત એવી છે કે તાજેતરમાં તા.૯ના રોજ વાઘોડિયા તાલુકાના કામરોલ ગામની સીમમાં ફીનાલ્કો ઈન્ડિયા કંપનીમાંથી ૧૮૩૬ કિલોગ્રામ કોપરની ચોરી થઈ હતી. આ ગુનાની તપાસમાં જિલ્લા એલસીબી પણ જોતરાયું હતું. દરમિયાન એવી બાતમી મળી હતી કે ફીનાલ્કો કંપનીમાંથી જે કોપરની ચોરી થઈ છે તે ચોરીનો મુદ્દામાલ ખરીદનાર ભંગારવાળા તેમજ ચોરો પૈસાની લેતીદેતી માટે ભેગા થનાર છે.
બાતમી મુજબ પોલીસ સ્ટાફે જરોદ ચોકડી પાસે વોચ ગોઠવી પંચમહાલ જિલ્લામાં રહેતા સાત શખ્સોને ઝડપી પાડ્યા હતા. સાત પૈકી રમેશ ઉર્ફે રૂસ્તમની પૂછપરછ કરતા ચાર દિવસ પહેલા ફીનાલ્કો કંપનીમાંથી સાગરીતો કિશન, અશોક, સુનિલ, બાદલ, શૈલેષ તેમજ અન્ય મિત્રો પુથ્વીરાજસિંહ પરમાર સહિત ચાર જણાએ ભેગા મળીને કંપનીમાંથી ચોરીની કબૂલાત કરી હતી. કોપરનો મુદ્દામાલ ભંગારના વેપારી જગદીશચંદ્ર છોગાજી ખટીકને આપેલ હોવાનું જણાવ્યું હતું.જગદીશની તપાસમાં જાણવા મળ્યું હતું કે વડોદરા શહેરમાં વારસિયા રિંગ રોડ પર આવેલ જગદીશ પાર્ક એપાર્ટમેન્ટમાં બાલાજી એન્ટરપ્રાઈઝ નામની દુકાનના માલિક નરેશ હંસરાજ ત્રિવેદીને આપ્યો છે. પોલીસે બાલાજી એન્ટરપ્રાઈઝ દુકાનમાં તપાસ કરતા નરેશ હંસરાજ ત્રિવેદી (રહે.વ્રજધામ સોસાયટી, ખોડિયારનગર, વડોદરા) અને જગદીશચંદ્ર છોગાજી ખટીક (રહે.રામદેવનગર-ર આજવારોડ) મળ્યા હતા. પોલીસે તેઓની પાસેથી ૬૦૦ કિલો કોપર તેમજ બે મોબાઈલ કબજે કર્યા હતા. આ મુદ્દામાલ બાસ્કા પંચાયત ઓફિસ પાસે રહેતા અબ્દુલગફુર ઉર્ફે લાલો અલીમહંમદ મકરાણી પાસેથી ખરીદ્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે સાત ચોર તેમજ બે ભંગારના વેપારીની ધરપક્ડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
વિવિધ કંપનીઓમાંથી કોપર સહિત અન્ય સામાનની ચોરી કરતી ગેંગના સાત સાગરીતો ઝડપાયા

Recent Comments