ગાંધીનગર,તા.ર૯
રાજયમાં છેલ્લા ઘણા સમયથી એક પછી એક થઈ રહેલા આંદોલનનોએ સરકાર સામે અનેક પડકારો ઉભા કર્યા છે ખાસ કરીને અનામત આંદોલન, આદિવાસી આંદોલન અને તાજેતરનું એલઆરડી ભરતી મામલે થયેલ આંદોલનોએ સરકારી તંત્ર અને મંત્રીઓને દોડતા કરી દીધા. અનેક પ્રયત્નો બાદ માંડ આ આંદોલનો સમ્યા છે ત્યાં ફરી એકવાર નવા આંદોલનના મંડાણની શકયતા દેખાઈ રહી છે ત્રણ માર્ચના રોજ ગુજરાત મજદૂર સંઘના નેજા હેઠળ વિવિધ વર્ગના કર્મચારીઓ સત્યાગ્રહ છાવણી ખાતે પોતાની અનેક માંગણીઓ રજુ કરી પ્રતીક ધરણા દ્વારા પોતાનો વિરોધ વ્યકત કરશે જયારે સરકારની જાહેરાત બાદ પણ એલઆરડીમાં નોકરીના ઓર્ડર નહીં કરાતા રાજકોટની મહિલા ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તેમણે વિરોધ પ્રદર્શનની ચીમકી ઉચ્ચારી છે આમ ફરી એકવાર નવા આંદોલનો ઉભા થવાની શકયતાઓએ સરકારની ચિંતા વધારી છે.
ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં એક નવું આંદોલન શરૂ થવાના એંધાણ છે. મળતી માહિતી પ્રમાણે ૩ માર્ચના દિવસે ગુજરાત મજદૂર સંઘના નેજા હેઠળ વિવિધ વર્ગના કમર્ચારીઓ સત્યાગ્રહ છાવણી ખાતે પ્રતીક ધરણા કરવાના છે. હકીકતમાં ગુજરાત મજદુર સંઘ સાથે જોડાયેલા સંગઠનો પોતાની અનેક માગણીઓ રજૂ કરીને ધરણા કરવાના છે. આ દિવસે ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘ, અખિલ ગુજરાત આરોગ્ય કર્મચારી સંઘ, ગુજરાત રાજય બોર્ડ નિગમ કર્મચારી સંઘ તેમજ ઈએમઆરઆઈ ૧૦૮ કર્મચારી મંડળ પોતાની વિવિધ માગ રજુ કરીને કરણા કરવાના છે. આંગણવાડી કાર્યકર્તા કર્મચારી અને હેલ્પર બહેનોને સરકારી કર્મચારી જાહેર કરવા અને કાર્યકર્તાને ૧૮૦૦૦ અને હેલ્પર બહેનોને ૧પ૦૦૦નો પગાર આપવો તેમજ આશા ફેસીલીટર બહેનોને ર૦ વિઝિટના ૪૦૦ના બદલે ૧૦૦૦ રૂપિયા આપવા આશા વર્કર અને આશા ફેસીલિટર બહેનોને સરકારી કર્મચારીના લાભ આપવા સાથે જ બોર્ડ નિગમના કર્મચારીઓને ૧ જાન્યુઆરી ર૦૧૬થી છઠ્ઠા પગારપંચનો લાભ આપવો સરકારે જાહેર કરેલી મોંઘવારી આપવી સહિતની માગણીઓ ૧૦૮ના કર્મચારીઓના નિયમો નક્કી કરવા શ્રમ કાયદાઓ પ્રમાણે લઘુત્તમ વેતન મેડિકલ પીફએફ ઓવરટાઈમ સહિતના લાભ આપવા આ પડતર માંગણીઓ સાથે પાંચ હજારથી વધારે કર્મચારી ૩ માર્ચે સત્યાગ્રહ છાવણી ખાતે એક દિવસના પ્રતીક ધરણા કરશે. બીજી તરફ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા એલઆરડી મામલે ૬પ.પ૦ મેરીટ જાહેર કરવામાં આવ્યું હતું છતાં પણ રાજકોટની કેટલીક મહિલા ઉમેદવારોને નોકરીનો ઓર્ડર નહીં મળતા તેમને ગાંધીનગરમાં સરકારની સામે ફરીથી આંદોલન કરવાની તૈયારી બતાવી છે. રાજકોટના ત્રિકોણબાગ ખાતે એલઆરડીની મહિલા ઉમેદવારો એકઠી થઈ હતી અને સરકાર દ્વારા નોકરીનો ઓર્ડર નહીં આપતા વિરોધ દર્શાવ્યો હતો. આ અંગે મહિલા ઉમેદવારોએ જણાવ્યું હતું કે અમે આટલુ ભણીને સરકારને સમજાવી ન શકતા હોયતો અમને એમ થાય છે કે, આ ભણતર શું કામનું સરકાર એમ કહે છે કે, ધીરજ રાખો પણ હવે અમે ધીરજ નથી. રાખવા માગતા કારણ કે, અમે પોણા બે વર્ષથી સતત ધીરજ રાખતા આવ્યા છીએ. હવે અમે ગાંધીનગરમાં ઉપવાસ પર બેસવા માગીએ છીએ અને આગામી દિવસોમાં અમારૂં ગાંધીનગરમાં ઉપવાસ આંદોલન શરૂ થશે ત્યારે જો ફરીથી આંદોલનો થાય તો સરકારની મુશ્કેલીઓ વધવાની શકયતાઓ દેખાઈ રહી છે.