ડીસા, તા.૧૯
ડીસાની મુકબધિર કિશોરી સાથે દાંતીવાડા નજીક આવેલ ભાખર ગામની સીમમાં દુષ્કર્મ આચરીને તેનું ગળું કાપી ઘાતકી હત્યા કરી દેવાતા અરેરાટી સાથે ચકચાર મચી જવા પામી છે. જઘન્ય બનાવના સમગ્ર દેશ સહિત ગુજરાતભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે તેમજ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં જન આક્રોશ જોવા મળી રહ્યો છે જો કે પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે પરંતુ આ હિન અને અમાનવીય કૃત્ય આચરનાર હત્યારાને ફાંસીની સજા આપવામાં આવે તેવો સુર પણ ચોમેરથી ઉઠ્યો છે. જેના પગલે ડીસા શહેર સહિત બનાસકાંઠા જિલ્લાના વિવિધ સંગઠનો દ્વારા હત્યારાને ફાંસીની સજાની માંગ સાથે સોમવારે ડીસા શહેરમાં હિન્દુ યુવા સંગઠન, એકલવ્ય ગ્રુપ સંગઠન, રાષ્ટ્ર શક્તિ એક્તા મંચ સંગઠન, હિન્દુ યુવા સંગઠન ભારત તથા અન્ય સંગઠનો દ્વારા ડીસા નાયબ કલેકટરને આવેદનપત્ર આપી માસૂમ દીકરી સાથે દુષ્કર્મ આચરીને ગળું કાપી હત્યા કરનાર આરોપીને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. રાષ્ટ્ર શક્તિ એક્તા મંચના જિલ્લા અધ્યક્ષ સુનિતાબેન પઢીયાર દ્વારા બળાત્કાર કરનાર નરાધમો સામે સરકાર દ્વારા કોઈપણ જાતની શેહશરમ રાખ્યા વગર તાત્કાલિક ફાસ્ટ કોર્ટમાં કેસ ચલાવીને ફાંસીની સજા આપવામાં આવે તેવી ઉગ્ર માંગ પણ કરવામાં આવી હતી.