નવી દિલ્હી, તા.૪
ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ચોંકાવનારા પ્રદર્શન બાદ વેસ્ટઈન્ડિઝના પૂર્વ ઓલરાઉન્ડર ખેલાડી ડ્‌વેન બ્રાવોને લાગે છે કે, તેની ટીમ આગામી વિશ્વકપમાં હરીફો માટે ખતરો હશે. બ્રાવોએ દુબઈમાં કહ્યું કે, વેસ્ટઈન્ડિઝની યુવા ટીમના પ્રદર્શનથી પ્રભાવિત છે અને તેનું પ્રમાણ ઈંગ્લેન્ડ વિરૂદ્ધ એક દિવસીય શ્રેણીમાં જોવા મળ્યું છે.
તેણે કહ્યું, અમારી ટીમમાં કેટલાક સારા યુવા ખેલાડી છે. તેની રમતમાં સુધાર થઈ રહ્યો છે અને મને લાગે છે કે, વિશ્વકપમાં આ ટીમ બીજી ટીમો માટે ખતરો હશે.
બ્રાવોએ કહ્યું કે, વિશ્વકપમાં કોઈપણ ટીમને પ્રબળ દાવેદાર ન કહી શકાય. તેણે કહ્યું, કોઈપણ ટીમ ગમે તે દિવસે સારૂ કરી શકે છે પરંતુ હું વેસ્ટઈન્ડિઝના સારા પ્રદર્શનને લઈને ઉત્સુક છું. અમારી ટીમમાં અનુભવ અને યુવાઓનું સારૂ મિશ્રણ છે.
ક્રિસ ગેલની અડધી સદીની મદદથી વેસ્ટઈન્ડિઝે ઈંગ્લેન્ડને સાત વિકેટે પરાજય આપ્યો હતો. ઓશાને થોમસે આ મેચમાં પાંચ વિકેટ ઝડપી હતી. અંતિમ વનડે જીતીને વેસ્ટઈન્ડિઝ સિરીઝ ૨-૨થી ડ્રો કરવામાં સફળ રહ્યું હતું.