કવયિત્રી લતા હિરાણી દ્વારા તૈયાર કરાયેલી ગુજરાતી વેબસાઈટથી યુવાવર્ગને પ્રોેત્સાહન મળશે
અમદાવાદ, તા.ર૧
વિશ્વકાવ્ય સાહિત્યને આવરી લેતી કાવ્યવિશ્વ નામની પ્રથમ ગુજરાતી વેબસાઇટ કવયિત્રી લતા હિરાણી દ્વારા તૈયાર કરવામાં આવી છે. ગુજરાતી સાહિત્યમાં વિવિધ વેબસાઇટ મળે છે પરંતુ કવિતાના તમામ પાસાંઓને આવરી લેતી આ પ્રથમ અને વિશિષ્ટ વેબસાઇટ છે. અનેક રીતે વિશેષતા ધરાવતી આ વેબસાઇટમાં જુદા જુદા આઠ વિભાગો દ્વારા સમગ્ર કાવ્યવિશ્વને આવરી લેવાનો પ્રયાસ થયો છે. કાવ્યરસિકો ઉપરાંત સાહિત્યપ્રેમીઓ અને જનસમુદાયની કાવ્યરૂચિને પોષે એવો ખ્યાલ એમાં રખાયો છે.
સર્જન વિભાગમાં રોજનું એક કાવ્ય, તો આસ્વાદ વિભાગમાં જાણીતા કવિઓ દ્વારા કરાયેલા કાવ્યાસ્વાદો તથા અનુવાદ વિભાગમાં અન્ય ભાષાઓમાંથી ગુજરાતીમાં અનુવાદિત થયેલા અને ગુજરાતીમાંથી અન્ય ભાષાઓમાં થયેલા અનુવાદો મૂકવામાં આવશે. દેશ વિદેશના અગ્રણી કવિઓના પરિચયલેખો ઉપરાંત કાવ્યસ્વરૂપોના લેખો અને સંચય વિભાગમાં સુપ્રસિદ્ધ કવિઓની સહી, એમના હસ્તાક્ષરોમાં એમની કવિતાઓ અને કવિતા અંગે મૂલ્યવાન સામગ્રી મૂકવામાં આવશે.
આ વેબસાઇટ તૈયાર કરવા પાછળ યુવાવર્ગને પ્રોત્સાહન આપવાનો, એમને આપણા કાવ્યવારસાથી પરિચિત કરાવવાનો અને જનસમુદાયની કાવ્યરૂચિને પોષવાનો હેતુ છે. ઇન્ટરનેટ પર www.kavyavishva.com આપવાથી આ વેબસાઇટ જોઈ શકાશે. એમ કવયિત્રી લતા હિરાણીએ જણાવ્યું છે.
Recent Comments