(ફિરોઝ મનસુરી)
અમદાવાદ, તા.ર
અમદાવાદ શહેરને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો આપ્યાને સાત મહિના વિત્યા છતાં દીવા તળે અંધારૂં હોય તેમ અમદાવાદના પ્રવાસન સ્થળ કાંકરિયાના નગીનાવાડીમાં લાઈટિંગ શોમાં હજુ પણ એએમસી તંત્ર અમદાવાદ હેરિટેજ સિટી બનવા જઈ રહ્યું હોવાના દાવા કરી રહ્યું છે ત્યારે અમદાવાદ શહેરમાં રસ્તા, ગટર સહિતના મુદ્દાઓને લઈને ઢીલી કામગીરી કરતું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર શહેરને હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો હોવાનું ગૌરવ વધારવાને બદલે તેના પ્રત્યે ઘોર ઉદાસીનતા દાખવી રહ્યું હોવાનું ફલિત થયું છે એટલે કે વિશ્વની નજરમાં હેરિટેજ બનેલું અમદાવાદ એએમસીની નજરમાં ક્યારે હેરિટેજ સિટી બનશે ??
જૂન ર૦૧૭માં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ કમિટીના સભ્યોએ અમદાવાદના હેરિટેજ સ્થળોની મુલાકાત લીધી હતી. ત્યારબાદ જુલાઈ ર૦૧૭ દરમિયાન યુનેસ્કોએ અમદાવાદને ભારતીય પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો આપ્યો હતો ત્યારે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારે અમદાવાદ સિટી હેરિટેજ સિટી બનવા બદલ ગૌરવપૂર્ણ વધાવી લીધું હતું પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર હજુ પણ જાણે નિંદ્રાધીન હોય તેવું લાગી રહ્યું છે કેમ કે અમદાવાદના પ્રવાસન સ્થળ તરીકે જાણીતા કાંકરિયાના નગીનાવાડીમાં થતા લાઈટિંગ અને ફુવારા શોમાં ‘મારું અમદાવાદ’ નામનું ગીત વાગે છે. આજે પણ આ ગીતમાં મારૂં અમદાવાદ હેરિટેજ સિટી બનવા તૈયાર છે તેવું કહેવામાં આવે છે.
પ્રવાસન સ્થળ તરીકે જાણીતા નગીનાવાડીમાં ગુજરાત સહિત દેશ-વિદેશના મહેમાનો પણ આવતા હોય છે ત્યારે મ્યુનિસિપલ તંત્ર દ્વારા અમદાવાદ હેરિટેજ સિટી બન્યાને સાત મહિના જેટલો સમય વિત્યો હોવા છતાંય હજુ પણ જૂનું ગીત વગાડીને ભૂતકાળને વાગોળવામાં આવી રહ્યું છે અને અમદાવાદ હેરિટેજ સિટી બનવા જઈ રહ્યું છે તેમ તંત્ર માની રહ્યું છે. એટલે કે મ્યુનિસિપલ તંત્ર શહેરને હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યાનું કોઈ ગૌરવ જ ન હોય તેમ ઉદાસીનતા દાખવી રહ્યું હોવાનો આ દાખલો છે ત્યારે વર્લ્ડ હેરિટેજ સિટી બન્યા બાદ દેશ-વિદેશના પ્રવાસીઓનો અમદાવાદની મુલાકાત લેવા માટે ધસારો થઈ રહ્યો છે ત્યારે એએમસી તંત્ર પણ પ્રવાસીઓને સુવિધા મળે તે માટે હેરિટેજ સિટીના મોન્યુમેન્ટ સુધી પ્રવાસીઓ માટે ખાસ વ્યવસ્થા કરે તેમજ હાલ નગીનાવાડીમાં લાઈટિંગ ફુવારા શોમાં વાગી રહેલા જૂના ગીતને અપડેટ કરીને વર્લ્ડ હેરિટેજ સિટીનું માન જાળવે તેવી લોકમાગણી છે.