• વર્ષોથી વણવપરાયેલ પ્રાચીન ઈમારતો-કિલ્લા-મહેલોમાં હેરિટેજ હોટલ-મ્યુઝિયમ બનાવાશે • હેરિટેજ
હોટલ-રેસ્ટોરન્ટ વગેરે માટે સરકાર રૂા.૧૦ કરોડ સુધીની સહાય કરશે અને ઈલેક્ટ્રિક ડ્યુટી પણ માફ

(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧૧
રાજ્યમાં આવેલ ઐતિહાસિક ઈમારતો-જોવાલાયક પુરાતન સ્થળો વગેરેને વિશ્વભરના પ્રવાસન પ્રેમીઓ માટે ખુલ્લા મૂકવા ગુજરાત સરકારે આજે આવા સ્થળોને પ્રવાસન માટે આકર્ષણનું કેન્દ્ર બનાવવા હેરિટેજ ટુરિઝમ પોલિસીની જાહેરાત કરી છે. અગાઉની ર૦૧૪-૧૯ની રાજ્યની હોમ સ્ટે પોલિસીને વધુ સરળ બનાવતી આ નવી ટુરિઝમ પોલિસી અંતર્ગત રાજ્યમાં વર્ષોથી વણવપરાયેલી રહેલી પ્રાચીન ઈમારતો-કિલ્લા-મહેલો વગેરેમાં હેરિટેજ હોટલ-રેસ્ટોરન્ટ-મ્યુઝિયમ વગેરે શરૂ કરવામાં આવશે અને તેમાં સરકાર ૧૦ કરોડ સુધીની સહાય તથા ઈલેક્ટ્રિકસિટીમાં ડ્યુટી માફી સહિતની રાહતો આપશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતને વિશ્વ પ્રવાસન નકશા ઉપર વધુ દમદાર રીતે ચમકતું કરવા રાજ્યની પ્રાચીન ધરોહર, ઐતિહાસિક વિરાસત-ઈમારતો સ્થળોને હેરિટેજ ટુરિઝમ ડેસ્ટીનેશન તરીકે પ્રોત્સાહિત કરતી હેરિટેજ ટુરિઝમ પોલિસી-ર૦ર૦-રપની મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે.
મુખ્યમંત્રી રૂપાણીએ પ્રવાસન-ટુરિઝમ સેક્ટરને તથા હોટલ ઈન્ડસ્ટ્રીને નવું બળ મળે અને નાના ગામો-નગરોમાં જગ્યાના અભાવે અન્ય સ્થળે હોટલ, રેસ્ટોરન્ટ, બેન્કવેટ શરૂ ન થઈ શકે તો આવી ઐતિહાસિક વિરાસત પ્રોપર્ટીમાં તે શરૂ કરી સ્થાનિક સ્તરે રોજગાર સર્જનને પણ વ્યાપક બનાવવાની નેમ આ પોલિસીમાં રાખેલી છે.
તેમણે હેરિટેજ પ્રોપર્ટીઝના મૂળ તત્ત્વ અને સત્વને જાળવીને પ્રવાસન આકર્ષણ ઊભા કરવાની પ્રતિબદ્ધતા સાથે આ પોલિસીમાં સ્પષ્ટપણે સૂચવ્યું છે કે, તા.૧ જાન્યુઆરી-૧૯પ૦ પહેલાની આવી ઐતિહાસિક ઈમારતો, મહેલો, કિલ્લા વગેરેમાં હેરિટેજ હોટલ, હેરિટેજ મ્યુઝિયમ, હેરિટેજ બેન્કવેટ હોલ કે હેરિટેજ રેસ્ટોરન્ટ બનાવી શકાશે.
એટલું જ નહીં, આવી હેરિટેજ હોટલ, મ્યુઝિયમ, બેન્કવેટ હોલ કે રેસ્ટોરન્ટનું નિર્માણ કરતી વખતે હેરિટેજ પ્લેસના ઐતિહાસિક વિરાસતના મૂળ માળખા-સ્ટ્રક્ચર સાથે કોઈ છેડછાડ કરી શકાશે નહીં.
મુખ્યમંત્રીએ આઝાદી પછી વિલીનીકરણ થયેલા અનેક નાના-મોટા રજવાડાઓની સમૃદ્ધિ, તેમના મહેલોના મ્યુઝિયમમાં રહેલી કિમતી ચીજવસ્તુઓ સોગાદ, પોષાક-પહેરવેશ, શસ્ત્રો, ચલણી સિક્કા જેવી પ્રાચીન ધરોહરને વિશ્વની વર્તમાન અને ભાવિ પેઢી નિહાળી-માણી શકે તે માટે હેરિટેજ મ્યુઝિયમનો કોન્સેપ્ટ હેરિટેજ ટુરિઝમ પોલિસીમાં આમેજ કર્યો છે.
ગુજરાતમાં દર વર્ષે લાખોની સંખ્યામાં વિદેશના દેશના પ્રવાસન પ્રેમીઓ પર્યટન-સહેલગાહ માટે આવતા હોય છે. ત્યારે હવે, આ હેરિટેજ ટુરિઝમના કોન્સેપ્ટથી આવા પ્રવાસીઓને હેરિટેજ પ્લેસીસની મુલાકાત-પ્રવાસ માટે આકર્ષીને વિદેશી હુંડિયામણ મેળવવાનો, સ્થાનિક રોજગારીનો હોલિસ્ટીક ટુરિઝમ ડેવલપમેન્ટ એપ્રોચ આ પોલિસીમાં સુનિશ્ચિત કર્યો છે.
આ પોલિસીમાં જે મહત્ત્વપૂર્ણ બાબતો આવરી છે તેમાં, નવી શરૂ કરવામાં આવેલ હેરિટેજ હોટલ, હેરિટેજ મ્યુઝિયમ, હેરિટેજ બેન્કવટ હોલ અને હેરિટેજ રેસ્ટોરન્ટ યુનિટ તથા હયાત હોટલ અને હેરિટેજ મ્યુઝિયમ, હેરિટેજ બેન્કવટ હોલ અને હેરિટેજ રેસ્ટોરન્ટ યુનિટના રિનોવેશન અને રિપેરિંગ માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવશે.
તદ્‌અનુસાર, હોટલ માટે ૨૫ કરોડ રૂપિયા સુધીનું રોકાણ હશે તો ૨૦ ટકા સબસિડી એટલે કે મહત્તમ પ કરોડ રૂપિયા સુધીની સહાય અને ૨૫ કરોડ રૂપિયાથી વધારેના રોકાણ માટે મહત્તમ ૧૦ કરોડ રૂપિયાની નાણાકીય સહાય સરકાર આપશે. આ ઉપરાંત આમાં રિનોવેશન-રિસ્ટોરેશનમાં પણ ૪પ લાખથી ૧ કરોડ સુધીની સહાય અપાશે.
હેરિટેજ ટુરિઝમ પોલિસીના સમયગાળા દરમ્યાન મંજૂર અને વિતરણ થયેલી લોન ઉપર પાંચ વર્ષ માટે ૭ ટકા વ્યાજ સબસિડી પ્રતિવર્ષ ૩૦ લાખની મર્યાદામાં અપાશે.
આ ઉપરાંત પાંચ વર્ષ માટે ૧૦૦ ટકા ઈલેક્ટ્રિક સિટી ડ્યુટી માફી, માર્કેટિંગ સપોર્ટ અન્વયે નેશનલ-ઈન્ટરનેશનલ ઈવેન્ટ માટે રેન્ટ સહાય વગેરેનો પણ લાભ મળશે.
મુખ્યમંત્રીએ આ પોલિસીને સુસંગત એવી ગુજરાત હોમ સ્ટે પોલિસી-ર૦૧૪-૧૯ને પણ વધુ સરળ અને ટુરિસ્ટ ફ્રેન્ડલી બનાવતા ગુજરાતનું ગ્રામીણ જીવન, સંસ્કૃતિ, ઈતિહાસ અને પરંપરાગત ધરોહર માણવા-જોવા આવતાં પ્રવાસીઓને પોષાય તેવા દરે, સુવિધાયુક્ત આવાસ સગવડ આ હોમ સ્ટે પોલિસી અન્વયે મળતી થશે.
એટલું જ નહીં, ૧થી ૬ રૂમ સુધીના આવાસો અને પોતે પરિવાર સાથે વસવાટ કરતા હોય તેવા વ્યક્તિઓ હોમ સ્ટે તરીકે પોતાના આવાસ આપી શકશે. આવા હોમ સ્ટેને ઘરેલું પ્રોપર્ટી ટેક્સ અને ઘરેલું વીજ દરના લાભ મળશે.
ગુજરાતભરમાં ૧૦૦ જેટલા હોમ સ્ટે કાર્યરત છે તેમાં હવે નવા હોમ સ્ટેનો ઉમેરો થશે તેમજ પ્રવાસન નિગમ દ્વારા હોમ સ્ટે ધારકોને ટ્રેનિંગ આપવામાં આવશે પરિણામે તેઓ ગુણવત્તાયુક્ત સેવા પૂરી પાડી શકશે.