વોશિંગ્ટન/રોમ/તહેરાન.૩
કોરોના વાયરસની મહામારીએ વિશ્વભરમાં હાહાકાર મચાવી દીધો છે. વિશ્વભરમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા ૧૦ લાખથી વધારે થઈ ગઈ છે. ૫૩ હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે. બે લાખ ૧૩ હજાર લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ઈટાલી અને સ્પેન બાદ હવે અમેરિકામાં તેની વ્યાપક અસર જોવા મળી છે. અમેરિકામાં પોઝિટિવ કેસની સંખ્યા બે લાખ ૪૫ હજાર ૬૬ થઈ ગઈ છે. જ્યારે ૬૦૭૫ લોકોએ જીવ ગુમાવ્યો છે. અમેરિકામાં ૨૪ કલાકમાં ૨૯ હજાર કેસ નોંધાયા છે. ડોનાલ્ડ ટ્રમ્પનો બીજો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. શુક્રવારે અમેરિકન પોત રુઝવેલ્ટમાંથી ૧૮૦ નૌસૈનિકોને હટાવવામાં આવ્યા. નેવી કમાન્ડર જોન મેનોનીએ જણાવ્યું હતું કે અન્ય ૩૦૦થી ૫૦૦ નૌસૈનિકોને આગામી ૧૨થી ૨૪ કલાક માટે હટાવવામાં આવશે. આ પોત ઉપર ગુરુવારે ૧૧૪ નૌસૈનિકો સંક્રમિત મળ્યા હતા. અમેરિકામાં કુલ ૬૦૭૫ લોકોએ અત્યાર સુધીમાં જીવ ગુમાવ્યો છે. ૧૫ ફેબ્રુઆરીથી લઈ અત્યાર સુધીના ૪૯ દિવસોની એવરેજ કાઢીએ તો દરરોજ ૧૨૪ લોકોએ કોરોના મહામારીમાં જીવ ગુમાવ્યો છે.
આ બધાની વચ્ચે ચીન સરકારે કોરોના વાયરસના કારણે મરનાર લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે ૪ એપ્રિલે શોક દિવસ મનાવવાનની જાહેરાત કરી છે. આ દરમિયાન દેશ અને બીજા દેશમાં રહેલા ચીની દૂતાવાસમાં રાષ્ટ્રીય ધ્વઝને અડધી કાઠીએ ફરકાવવામાં આવશે. સમગ્ર દેશમાં સવારે ૧૦ વાગ્યે ત્રણ મિનિટનું મૌન પાળીનો શોક વ્યક્ત કરાશે.
અહીં સૌથી વધારે સંક્રમણ ૯૩ હજાર કેસ ન્યૂયોર્કમાં નોંધાયા છે. તેમાથી ન્યૂયોર્ક સિટીમાં ૫૦ હજાર કેસ નોંધાયા છે. અહીં ૧૫૬૨ લોકોએ જીવ ગુમાવ્યો છે. ગુરુવારે અહીં ચાર હજાર નવા કેસ નોંધાયા છે અને ૧૮૮ લોકોએ જીવ ગુમાવ્યો છે.
બ્રાઝીલમાં સતત ત્રીજા દિવસે એક હજારથી વધારે કેસ નોંધાયા છે. અહીં કોરોનાના કુલ કેસ ૮ હજારથી વધારે નોંધાયા છે. જ્યારે ૩૦૦ લોકોનાં મોત થયા છે.
ઈરાન સંસદના સ્પીકર અલી લારીજાની પણ કોરોનાની ઝપટમાં આવી ગયા છે. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને ક્વોરન્ટિન કરાયા છે. ઈરાનમાં ગુરુવારે બે હજાર ૮૭૫ નવા કેસ નોંધાયા છે. અહીં કુલ સંક્રમિતોની સંખ્યા ૫૦ હજાર ૪૮૬ થઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં અહીં ૧૨૪ લોકોનાં મોત થયા છે. દેશમાં મરનાર લોકોની સંખ્યા ૩૧૬૦ થઈ છે. ઈટાલી અને સ્પેનની વાત કરીએ તો ઈટાલીમાં એક લાખ ૧૪ હજાર ૨૪૨ કેસ નોંધાયા છે અને ૧૩ હજાર ૯૧૫ લોકોએ જીવ ગુમાવ્યો છે. સ્પેનમાં એક લાખ ૧૨ હજાર ૬૫ કેસ નોંધાયા છે અને ૧૦ હજાર ૩૪૮ લોકોએ જીવ ગુમાવ્યા છે.

કોરોના રાઉન્ડઅપ

દેશ-દુનિયામાં કોરોના કેર…
વિશ્વના કુલ દેશો પ્રભાવિત ૨૦૩
વિશ્વના કુલ દેશોમાં કેસોની સંખ્યા ૧૦,૫૫,૮૨૩
વિશ્વના કુલ દેશોમાં મોત ૫૫,૭૩૭
વિશ્વના દેશોમાં રિક્વર લોકોની સંખ્યા ૨,૨૩,૮૯૧
એક્ટિવ કેસોની સંખ્યા ૭,૭૬,૧૯૫
ભારતમાં કેસોની સંખ્યા ૨૯૭૪
ભારતમાં એક્ટિવ કેસોની સંખ્યા ૨૬૭૬
ભારતમાં રિક્વર લોકોની સંખ્યા ૨૨૧
ભારતમાં મોતની સંખ્યા ૭૭