(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૫
શહેરમાં તાજેતરમાં આવેલા પુરમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. આ પુર માટે વડોદરામાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી અને કુદરતી કાંસો પર કરવામાં આવેલા બાંધકામ તથા ઠલવાતા કાટમાળને જવાબદાર ઠેરવી પાલિકાની સામાન્ય સભામાં કોંગ્રેસના કાઉન્સીલર અમી રાવતે તાત્કાલીક ધોરણે તમામ દબાણોને દુર કરવા માંગણી કરી હતી. પાલિકાની સામાન્ય સભામાં કોંગ્રેસના મહિલા કોર્પોરેટર શહેરમાં પુર જેવી પરિસ્થિતિ નજીવા વરસાદમાં ઉભી થવા પાછળ વિશ્વામિત્રી નદી અને વિવિધ કાંસો ઉભા થઇ રહેલા દબાણોને કારણે હોવાનું જણાવતા તત્કાલિક આ દબાણો આ રજુઆત સામે મેયરે કાયદા ગોળ-ગોળ અને ધીમા હોવાથી તાત્કાલીક કોઇ કામ કરી શકતા નથી તે બાબતે નારાજગી વ્યકત કરી હતી.
મહાનગર પાલિકાની મળેલી સામાન્ય સભામાં શહેરમાં સર્જાયેલી પુરની પરિસ્થિતિ અંગે મહિલા કાઉન્સીલર અમી રાવતે સ્પષ્ટ રજુઆત કરતા જણાવ્યું હતું કે, છેલ્લાં ૨૪ વર્ષમાં શહેરમાં ૧૦ વખત પુર આવ્યું છે. જેમાં દર બે વર્ષે પુર આવતું હોવાનું સામે આવ્યું છે. જેમાં દર વખતે શહેરીજનોને અને વેપારીઓને લાખો – કરોડોનું નુકસાન વેઠવું પડે છે. તેમ છતાં આ પુર ના આવે તે માટે કોઇ પગલા લેવામાં આવતા નથી. પુર માટે વિશ્વામિત્રી નદી તથા કુદરતી કાંસો પર થયેલા દબાણો જવાબદાર છે. જેથી નદીનાં કિનારે આવેલ પાકા બાંધકામો તથા કાંસો પર થયેલા બાંધકામોને દુર કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.
આ માંગણી સામે મેયર ડો. જિગીષાબેન શેઠે જણાવ્યું હતું કે, ઘણી બાબતો અમારા ધ્યાનમાં છે. પરંતુ કાયદા ગોળ ગોળ અને સ્લો (ધીમા) હોવાથી કેટલીક બાબતો જાણતા હોવા છતાં આપણે રાતો રાત કામ કરી શકતા નથી. પરંતુ આગામી ચોમાસામાં આવી પરિસ્થિતિ ન સર્જાય તે મુજબના ચોક્કસ પગલા લેવાશે.
જે બાદ પાલિકા છેલ્લાં કેટલાક સમયથી જે એન્જીનિયરોની ભરતી કરે છે તે જરૂરી લાયકાત મુજબના નથી. તેવા આક્ષેપ સામે મેયરે જણાવ્યું હતું કે, આપણે જ્યારે ભરતી કરીએ છીએ ત્યારે ટેકનીકલી રીતે તમામ પાસાઓ ચકાસીએ છીએ.