(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૭
શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીનાં કિનારા ઉપર ગેરકાયદે કરવામાં આવેલા બાંધકામ તાત્કાલીક દુર કરવા માટે કોંગ્રેસ અગ્રણીએ મ્યુનિ.કમિશ્નરને રજૂઆત કરી કિનારાને રિસ્ટ્રીકટેડ ઝોન-૧માં મુકવામાં આવેલો છે.
કોંગ્રેસ અગ્રણી શૈલેષ અમીને સમા અને હરણી વિસ્તારમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીનાં કિનારે બનાવવામાં આવેલી દિવાલ તાત્કાલીક દુર કરવા માટે મ્યુનિ. કમિશ્નર નલીન ઉપાધ્યાયને લેખિત રજૂઆત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, વિશ્વામિત્રી કિનારાને રિસ્ટ્રકટેડ ઝોન-૧ માં મુકવામાં આવેલો છે. જેથી નદીના કિનારા ઉપર બાંધકામ કરી શકાય નહીં. તાજેતરમાં જ સમા-હરણીને જોડતા બ્રિજનું લોર્કાપણ કરવામાં આવ્યું છે. આ બ્રિજ પાસે કેટલાક લોકો દ્વારા કિનારા ઉપર દિવાલ બનાવીને દબાણ કરવામાં આવ્યું છે. આ દિવાલથી ચોમાસામાં પાણીને જવાનો રસ્તો મળશે નહીં. જેના કારણે પુરની સ્થિતિ સર્જાશે. જો આ બાબતને ગંભીરતાથી લેવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં અન્ય લોકો પણ કિનારા ઉપર ગેરકાયદેસર બાંધકામ કરશે.