(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧
ઉધના ઉદ્યોગનગર સિટી ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ એનઆરઆઈ માલિકની લસકારા.એ.ટ્રેડ પ્રા.લિ કંપનીના મેનેજર દ્વારા છેલ્લા દોઢ વર્ષમાં અલગ-અલગ વેપારીઓના બોગસ બિલો બનાવી કંપનીમાંથી ૧.૧૫ કરોડ ઉસેટી લઈ છેતરપિંડી કરી હતી. મેનેજરનું ભોપાળુ બહાર આવતા અમેરિકા ખાતે રહેતી માલકીન સુરત આવી વેપારીઓના બિલો વેરીફાઈ કર્યા બાદ ગઈકાલે ઉચાપત કરનાર મેનેજર સામે ફરિયાદ નોંધાવી હતી.
બનાવ અંગે ઉધના પોલીસ પાસેથી મળતી વિગત મુજબ ડિંડોલી નીલગીરી મયુર સોસાયટીમાં રહેતા શ્યામ બળીરામ માળી ઉધના ઉદ્યોગનગર સિટી ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ લસકારા, એ. ટ્રેડ પ્રા.લિ નામની કંપનીમાં નોકરી કરે છે આ કંપની મહિલાના ચણિયા ચોળી, ડ્રેસ સહિતના રેડીમેડ ગ્રારમેન્ટ એક્ષપોર્ટનો ધંધો કરે છે. કંપનીના માલિક સુમીર કોર અમેરીકામાં રહે છે અને ત્યાં બેઠા-બેઠા બિઝનેશને હેન્ડલ કરે છે. સુમીર કોરે તેની કંપનીમાં છેલ્લા કેટલાક વર્ષથી મેનેજર વિપુલકુમાર ઉત્તમ પટેલ (રહે.ધમાણીયા ગામ અંઘાત્રી પટેલ ફળિયુ વાલોડ) નોકરી કરતો હતો. દરમિયાન વિપુલકુમાર વિશ્વાસુ હોવાનો ફાયદો ઉઠાવી કંપનીમાં માલના વેપારીઓ દ્વારા આપવામાં આવતા બિલમાં અન્ય બોગસ બિલો બનાવી સુમીર કોર પાસેથી વધુ નાણાં પડાવતો હતો. દરમિયાન ધંધો સારો ચાલતો હોવા છતાંયે જોઈએ તેવો નફો નહીં દેખાતા સુમીર કોરને શંકા ગઈ હતી અને તેઓ સુરત આવી વેપારી સાથે મળી તેમના બિલો અંગે વેરીફાઈ કરી હતી. જેમાં વિપુલકુમાર દ્વારા જૂન ૨૦૧૮થી ૬ ડિસેમ્બર ૨૦૧૯ના સમયગાળા દરમિયાન વેપારીઓની બિલોની માફક અન્ય બોગસ બિલો બનાવી કુલ રૂપિયા ૧,૧૫,૦૦,૦૦૦ની કંપની સાથે ઉચાપત કરી હોવાનું બહાર આવ્યું હતું. બનાવ અંગે પોલીસે કંપનીના શ્યામ માળીની ફરિયાદને આધારે વિપુલકુમાર સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.