(એજન્સી) વોશિંગ્ટન, તા.૧૯
કોરોના વાયરસની મહામારીને લઈને અમેરિકાની વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન માટેની નારાજગી વધી રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલાથી જ અમેરિકા દ્વારા વિશ્વ આરોગ્ય સંસ્થાને આપવામાં આવતી ફન્ડિંગ બંધ કરી દીધી છે, આ દરમિયાન ટ્રમ્પે વિશ્વ આરોગ્ય સંસ્થા પ્રમુખ ટેડ્રોસ ઘેબ્રેયેસસને એક પત્ર લખ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ પત્રમાં લખ્યું છે કે, જો આગામી ત્રીસ દિવસમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પોતાની નીતિ અને સંગઠનમાં મોટા ફેરફાર નહીં કરે તો અમેરિકા પોતાનું ફન્ડિંગ હંમેશા માટે બંધ કરી દેશે. ઉલ્લેખનીય છે કે, હાલ અમેરિકા દ્વારા માત્ર થોડા દિવસ માટે જ ફન્ડિંગ બંધ કરી દેવામાં આવ્યું છે.
આટલુ જ નહીં, ડોનાલ્ડ ટ્રમ્પે પત્રમાં લખ્યું છે કે, અમેરિકા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનમાં પોતાની મેમ્બરશિપને લઇને પણ પુનઃ વિચારણા કરી શકે છે. અમેરિકા દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે, વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોના વાયરસની વૈશ્વિક મહામારીમાં ઘણી બેદરકારી દાખવી છે અને તેમણે ચીનનો પક્ષ લીધો છે, જેના કારણે દુનિયાને સહન કરવું પડી રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિએ પત્રમાં વિશ્વ આરોગ્ય સંસ્થા પર આરોપ લગાયો છે કે, ડિસેમ્બર, ૨૦૧૯માં વુહાનથી કોરોના વાયરસને લઈને જે પણ રિપોટ્‌ર્સ સામે આવ્યા હતા તેની અવગણના કરવામાં આવી હતી.
ડોનાલ્ડ ટ્રમ્પ અનુસાર, ડિસેમ્બર ૨૦૧૯માં જ જાણવા મળી ગયું હતું કે, આ વાયરસ એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે, પરંતુ આ બાબત પર કોઈ ધ્યાન આપવામાં આવ્યું નહીં અને દુનિયાને પણ તેની ગંભીરતા વિશે ચેતાવણી આપવામાં ન આવી. આ સાથે જ કોઈ પણ દેશે આ પ્રકારની બીમારી વિશે ૨૪ કલાકની અંદર રિપોર્ટ કરવાનું હોય છે પરંતુ ચીને તેમાં પણ બેદરકારી દાખવી હતી.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પર શાબ્દિક પ્રહારો કરતા પત્રમાં કેટલાક જૂના નિવેદનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, કોરોના વાયરસ એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં નથી ફેલાતો. ડોનાલ્ડ ટ્રમ્પે પત્રમાં લખ્યું, વિશ્વ આરોગ્ય સંસ્થા આગામી ત્રીસ દિવસમાં કડક પગલાં લે, નહીં તો અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે તેઓ પોતાના દેશના લોકોના ટેક્ષના પૈસા ફન્ડિંગના નામે બરબાદ કરી શકશે નહીં.