(એજન્સી) નવી દિલ્હી, તા.૩૦
વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષપદ મુદ્દે સંઘની પીછેહટ થઈ છે. સંઘના પસંદગીના ઉમેદવારને અધ્યક્ષપદનું સુકાન મળ્યું નથી. સંઘ દ્વારા હિમાચલ પ્રદેશના પૂર્વ રાજ્યપાલ ન્યાયમૂર્તિ કોગજેનું નામ આગળ કર્યું હતું. પરંતુ પ્રવિણ તોગડિયાના સમર્થકો સામે આગળ ચાલ્યું ન હતું. આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ પદ માટે જૂની જોડીને કાયમ રખાઈ. સંઘના સહ કાર્યવાહક ભૈયાજી જોષીના હસ્તક્ષેપ બાદ મામલો શાંત થયો. નહીંતર ચૂંટણીની તૈયારી હતી.
સંઘ સૂત્રોના જણાવ્યા અનુસાર ઓડિસાના ભુવનેશ્વરમાં વિશ્વ હિન્દુ પરિષદના ત્રણ દિવસના અધિવેશનમાં તોગડિયાને પદમુક્ત માટેની યોજના તૈયાર કરાઈ હતી પરંતુ સમર્થકોના હંગામા બાદ પદ પર તોગડિયાને યથાવત રખાયા. તોગડિયા ઘણી વખત મોદીના કામકાજનો વિરોધ કરતા રહ્યા છે. સંઘ તોગડિયાને પદમુક્ત કરી ર૦૧૯માં મોદીનો રસ્તો સરળ બનાવવા પ્રયાસ કરાયું હતું પરંતુ તોગડિયાને હટાવી ન શક્યું. સંઘ પ્રિય કોગજે અધ્યક્ષ બની શક્યા નહીં. ર૯ ડિસેમ્બરે ભુવનેશ્વરમાં વિશ્વ હિન્દુ પરિષદની બેઠકના અંતિમ દિવસે અધ્યક્ષપદ માટે ખેંચતાણ થઈ હતી. દર વખતે સંઘના પ્રેરિત નામને માન્ય કરાય છે પરંતુ આ વખતે સંઘ દ્વારા દર્શાવેલ નામને ફગાવી દેવાયું હતું.
ભૈયાજી જોષીએ મધ્યસ્થી કરી મામલો શાંત કર્યો હતો. દેશ-વિદેશના પ્રતિનિધિઓએ તોગડિયાના નામનું સમર્થન કરતાં સંઘની પીછેહઠ થઈ હતી. તોગડિયા ભુવનેશ્વરની બેઠકમાં મજબૂત બની બહાર આવ્યા. વિશ્વ હિન્દુ પરિષદની બેઠકમાં રામમંદિર અને સમાન નાગરિકધારાની માગણી થઈ હતી. સભ્યોએ કહ્યું કે તીન તલાક પર સંસદમાં સરકાર બીલ લાવી છે તો રામમંદિર-સિવિલ કોડ માટે કેમ નહીં ? આવનારા સમયમાં વિશ્વ હિન્દુ પરિષદની માગણીઓ જોર પકડશે. વિશ્વ હિન્દુ પરિષદે ર૦૧૮માં રામમંદિર નિર્માણના કાર્યની શરૂઆતની જાહેરાત કરી છે.