(સંવાદદાતા દ્વારા) વિસનગર, તા.૧૫
વિસનગરના નિવૃત સિંચાઈ વિભાગના કાર્યપાલક સાથે મિત્રતા કેળવી વિદેશી નાગરિક તરીકે ઓળખ આપી ગિફ્ટ આપવાના બહાને રૂા.૭૫.૬૦ લાખ પડાવી લેનારી ઠગ ટોળકીને વિસનગર શહેર પોલીસે ઝડપી લીધી છે.
વિસનગર શહેરની સંતોષનગર સોસાયટીમાં રહેતા ૬૬ વર્ષિય જેસંગભાઈ ઘેમરભાઈ ચૌધરી સિંચાઈ વિભાગમાં કાર્યપાલક ઈજનેર વર્ષ ૨૦૧૧માં ફરજ પરથી નિવૃત થયા હતા. લંડનના સ્થીમ ગ્રીફીમ નામની વ્યક્તિ સાથે અવાર-નવાર મેસેન્જ પર વાત પણ કરતા હતા. બંને જણા અવાર-નવાર મેસેન્જર પર સક્રિય રહેતાં ૧૫ દિવસ પછી સ્થીમ ગ્રીફીમનો મેસેજ આવ્યો હતો અને તેમાં લખ્યું હતું કે મારૂ પ્રમોશન થઈ ગયું છે અને હું મારા મિત્રોને કંઈક ભેટ મોકલવા માંગું છે. જેથી જેસંગભાઈ ચૌધરીએ ફેેસબુક મેસેન્જર પર મોકલી આપ્યા હતા. જ્યાં આ શખ્સ જેસંગભાઈ સાથે અવાર- નવાર વ્હોટ્‌સએપ પર પણ મેસેજ કરતો હતો. વ્હોટ્‌સએપ પર લેપટોપ, આઈફોન, વોચ, ફૂટવેર, ગોગલ્સ તથા સોનાનું બ્રોસલેટ વગેરે વસ્તુઓની કોપી પણ વ્હોેટ્‌સએપ પર મોકલી આપી હતી. જે બાદ પાર્સલ કંપની દ્વારા કસ્ટમ ચાર્જ, એન્ટી ટેરેરિસ્ટ ચાર્જ, આરબીઆઈ બેંક, સીબીઆઈ ડાયરેક્ટરના નામે અલગ-અલગ ફોન આવતાં જેસંગભાઈ ચૌધરીએ અગલ-અલગ તારીખે કુલ રૂા.૭૫,૬૦,૮૯૯ એન.ઈ.એફ.ટી. મારફત જમા કરાવ્યા હતા. જે બાદ ગત તા.૭ જૂનના રોજ ડેવિડ નામની વ્યક્તિના ફોન પર જેસંગભાઈ ચૌધરીએ ફોન કરી માંગવા મુજબ નાણાં જમા કરાવ્યાં હોવા છતાં તેમના પાઉન્ડની રકમ કેમ જમા થતી નથી તેમ કહેતાં સામેની વ્યક્તિએ સર્વર ડાઉન હોઈ નાણાં આજે જમા થઈ શકે તેમ નથી અને ૧૦ જૂના રોજ ઉઘડતી કચેરીએ નાણાં જમા થઈ જશે તેમ કહ્યું હતું. જ્યાં જેસંગભાઈ ચૌધરી પોતે છેતરાયા હોવાનું તેમજ તેમની સામે વિશ્વાસઘાત થયો હોવાનું જણાતાં વિસનગર શહેર પોલીસ સ્ટેશને સ્તીથ ગ્રીફીમ અને મિ. ડેવિડ નામની વ્યક્તિઓ સામે ગુનો નોંધાવ્યો છે. ગુનાની ગંભીરતા સમજી વિસનગર શહેર પોલીસે મહેસાણા સાયબર ક્રાઈમની મદદથી નવી દિલ્હી ખાતેથી સમેલ ઈજીકે ગોડવીન (નાઈઝીરિયન), એન્ટોની કાકુ (નાઈઝીરિયન), હૈદરઅલી મુક્તુજા શેખ, મોહમ્મદ ગુફરાન યાકુબઅલી સૈફી અને સુમન લેટ રામસિંગ (તમામ રહે. નવી દિલ્હી)ને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને ઝડપાયેલા શખ્સોને કોર્ટમાં રજૂ કરતાં વિસનગર કોર્ટ તમામના રિમાન્ડ મંજૂર કર્યા છે.