જૂનાગઢ, તા.ર
સોરઠની ધરાને મેઘરાજા વહાલથી ભીંજવી રહ્યા છે. છેલ્લા ચાર દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો હોય જૂનાગઢ જિલ્લામાં સિઝનનો પ૧ ટકા વરસાદ પડી જતા પાક, પાણીનું ચિત્ર મહદઅંશે હળવું બન્યું છે. જો કે, મોટા જળાશયોમાં હજુ પણ પૂરતા પ્રમાણમાં નવા નીરની આવક થવા પામી નથી. હાલ તો ઉપરવાસમાં પડેલા વરસાદથી ઓઝત વિયર (વંથલી)માં ૮૬૭૭અને ઓઝત-રમાં ૧૮૧ર કયુસેક પાણીનો જથ્થો જોવા મળી રહ્યો છે. જ્યારે વિસાવદરમાં વધુ ૪ ઈંચ સાથે ૭૪ ટકા જેવું પાણી વરસી ગયું છે. મેંદરડામાં ગતરાત્રી દરમ્યાન વધુ સાડા ત્રણ ઈંચ પાણી પડી ગયું હતું. ગુરૂવાર રાત્રીથી શુક્રવારે સવાર સુધીમાં કયાંક છૂટા છવાયા ઝાપટાંતો ક્યાંય ધોધમાર સાથે વરસાદ વરસી ગયો હતો. ફલડ કંટ્રોલમાંથી તા.ર સવારના ૬ સુધીમાં કેશોદમાં ર૬ મી.મી., જૂનાગઢમાં ૯ મી.મી., ભેંસાણમાં ૧૦ મી.મી., મેંદરડામાં ૮૩ મી.મી., માંગરોળમાં ૮ મી.મી., વંથલીમાં ૧૦ મી.મી. અને વિસાવદરમાં ૯૪ મી.મી. વરસાદ નોંધાયો હતો. જ્યારે સવારના ૬થી ૮માં જૂનાગઢમાં ૧૪ મી.મી., ભેંસાણમાં ૯ મી.મી., માણાવદરમાં ૩ મી.મી. અને વંથલીમાં ૧૪ મી.મી. પાણી વરસી ગયું હતું. આજે પણ આકાશમાં વાદળો છવાયેલા હોય મેઘકૃપા અવિરત રહેવાની સંભાવના છે.
Recent Comments