જૂનાગઢ,તા.ર૮
વિસાવદર ભાજપના પ્રમુખ ઘનશ્યામ ડોબરિયા પાસે રૂા.૧૦ લાખની ખંડણી માંગનાર નીતિન બગડા અને તેના સાગ્રીત પોપટાની પોલીસે શોધખોળ હાથ ધરી છે. વિસાવદરમાં ડોબરિયા પ્લોટમાં રહેતા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પોપટભાઈ ડોબરિયા (ઉ.વ.૪૪) તેની વિમલ ગેસ એજન્સી ખાતે હતા ત્યારે મૂળ વિસાવદર અને હાલ ભેંસાણમાં ચણાકા ગામે રહેતો નિલીત અશોકભાઈ બગડાએ ઘનશ્યામ ડોબરિયાને મોબાઈલ ફોન કરીને રૂા.૧૦ લાખની ખંડણી માંગી હતી. જો રૂા.૧૦ લાખ નહીં આપે તો પોપટો નામના શખ્સ સાથે આવી પતાવી દેશું. તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે રાત્રે ઘનશ્યામ ડોબરિયાએ ફરિયાદ કરતા પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી. વિશેષ તપાસ પીએસઆઈ એસ.કે. માલમ ચલાવી રહ્યા છે. ભાજપ પ્રમુખ પાસે ખંડણીની માંગણી થતા ચકચાર સાથે હલચલ મચી ગઈ છે.