(એજન્સી) ચેન્નાઈ, તા.ર૩
વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મદુરાઈમાં અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે સમર્થન મેળવવા નીકળેલ રામરાજ્ય રથયાત્રામાં સામેલ ૩૦૦ લોકો પર તામિલનાડુ પોલીસે કેસ દાખલ કર્યો છે. તેમજ પ૦ મોટર બાઈકો પણ જપ્ત કરી છે. પોલીસે તેમના પર જનજીવનને અસ્તવ્યસ્ત કરવાનો આરોપ લગાવ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સૂચિત યાત્રાને પોલીસે અટકાવી દીધી હતી. તામિલનાડુમાં ડીએમકે સહિત કેટલાક મુસ્લિમ સંગઠનોએ આ યાત્રાનો વિરોધ કર્યો હતો. વિરોધી પક્ષો દાવો કરે છે કે, યાત્રાથી કોમી એખલાસ ડહોળાશે. ર૧ માર્ચના રોજ યાત્રા સામે વિરોધ કરવા બદલ વિપક્ષના નેતા એમ.કે.સ્ટાલિન સહિત ૭પ ધારાસભ્યો સામે કેસ દાખલ કરાયો હતો. મુખ્યમંત્રી પલાનીસ્વામીએ યાત્રાની મંજૂરીના નિર્ણયનો બચાવ કરતાં કહ્યું કે, તમામ ધર્મોના લોકોને સમાન અધિકાર મળેલ છે. જ્યારે વિપક્ષ તેને રાજકીય રંગ આપે છે. પોલીસે જે લોકો સામે એફઆઈઆર દાખલ કરી છે તે લોકો વિશ્વ હિન્દુ પરિષદ, હિન્દુ મુન્ની અને બીજા સંગઠનો સાથે જોડાયેલા છે. પોલીસના આ પગલાંને મુખ્યમંત્રી પલાનીસ્વામી દ્વારા બેલેન્સ બનાવવાની ક્વાયત બતાવાઈ છે. આ પહેલાં રામરાજ્ય રથયાત્રાનો વિરોધ કરનાર સેંકડો લોકોને હિરાસતમાં લેવાયા હતા. યાત્રાની સુરક્ષા માટે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. રામેશ્વરમમાં ભગવાન રંગનાથ સ્વામી મંદિર પાસે રથયાત્રા પહોંચતાં જ જનસભા યોજાઈ હતી. જેને હિન્દુ સંગઠનોના નેતાઓએ સંબોધી હતી.