(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૨
અયોધ્યામાં રામ મંદિર બાંધવા માટે ૧૯૯૦ની રથ યાત્રાએ સમગ્ર દેશમાં લોહી વહાવ્યું હતું અને હજારો લોકોના જીવ ગયા હતા ત્યારે સુપ્રીમ કોર્ટમાં બાબરી મસ્જિદ-રામ જન્મભૂમિ કેસના એક પીટીશનરે સરકારને અયોધ્યામાંથી શરૂ થનારી બે મહિના લાંબી દેશવ્પાપી યાત્રાને રોકવા માટે અપીલ કરી છે. સીટીઝન ફોર જસ્ટિસ એન્ડ પીસે કહ્યું છે કે, આપણા દેશમાં ધર્મના નામે ઘણું બધું લોહી વહી ગયું છે. ૧૯૯૦માં એલકે અડવાણીની કોમવાદી રથ યાત્રાને કોણ ભૂલી શકશે અને અયોધ્યામાં બાબરી મસ્જિદની શહીદી બાદ લોહિયાળ તોફાનોને કોણ ભૂલી શકશે. હવે ફરી એકવાર કોમવાદી રથ યાત્રા સમગ્ર ભારતમાં થઇ રહી છે જે કેટલાક રાજ્યોમાં આગામી ચૂંટણીને ધ્યાને રાખી ફક્ત મતવિભાજન માટે થઇ રહી છે. રામ મંદિરના નામે મતવિભાજનની બિનજાહેર ઇરાદો રાખી ૧૩મી ફેબ્રુઆરીએ અયોધ્યામાંથી રથ યાત્રાનો પ્રારંભ થયો છે અને તે છ રાજ્યોમાંથી પસાર થશે જેમાં ચૂંટણીવાળા કર્ણાટક અને મધ્યપ્રદેશમાંથી પણ પસાર થશે આ ઉપરાંત છેલ્લા કેટલાક સમયથી પોતાનો વ્યાપ વધારવાનો ભાજપ જ્યાં પ્રયાસ કરે છે તેવા કેરળમાં પણ આ રથ યાત્રા જશે. મહારાષ્ટ્રની એક ઓછા જાણીતા સંગઠન દ્વારા જાહેર કરાયેલી રથ યાત્રાને વીએચપી તથા સંઘ પરિવારના ચાવીરૂપ નેતાઓનો પણ ટેકો છે. પીટીશનરે સીટીઝન ફોર જસ્ટિસ એન્ડ પીસને જણાવ્યું હતું કે, આ નવી રથ યાત્રાને રોકવા માટે પગલાં લો અને નફરતની આ રાજનીતિનો સંપૂર્ણ રીતે અંત લાવો. કેટલાક મહિના અગાઉ સીજેપી અને કેટલાક અગ્રણી લોકોએ અયોધ્યા વિવાદ કેસમાં સુપ્રીમ કોર્ટને દખલ કરવા અરજી કરી હતી. તેમણે સુપ્રીમ કોર્ટને અપીલકરી હતી કે, તેણે આ મુદ્દાને ફક્ત મિલકત વિવાદ તરીકે ન જોવો જોઇએ પરંતુ આ મુદ્દો દેશમાં લોહી વહાવી રહ્યો છે અને દેશમાં સર્વવ્યાપી શાંતિ સ્થાપવા માટે તેનો ઉકેલ લાવવો જ જોઇએ.