(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૬
અમદાવાદના દરિયાપુર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે. અરજદારે કોરોના સિવાયના દર્દીઓની સારવાર અને વીએસ હોસ્પિટલના મુદ્દા પર અરજી કરેલી છે. આ અરજી પરની સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે. અરજીમાં અરજદારની રજૂઆત છે કે, કોરોનાના ફેલાવવાના લીધે મોટાભાગના હોસ્પિટલ અને આરોગ્ય તંત્ર દ્વારા કોરોનાના દર્દીની સારવાર પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે જેના લીધે કોરોના સિવાયના અન્ય રોગના દર્દીઓની સારવારને લઈને આરોગ્ય તંત્ર બેદરકાર જોવા મળે છે. છેલ્લા કેટલાક સમયમાં કોરોનાથી જેટલા મૃત્યુ થયા નથી તેના કરતાં વધુ અન્ય રોગના દર્દીઓ ના મૃત્યુ થયા છે. અમદાવાદમાં રહેલી વીએસ હોસ્પિટલમાં કોરોના સિવાયના દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. આ હોસ્પિટલને ૧૧૦૦ પથારીઓની સુવિધા ફરીથી આપો. ભૂતકાળમાં વી.એસ.હોસ્પિટલને બંધ કરવાની કામગીરી હાથ ધર્યા બાદ તેના સ્ટાફની એસ.વી.પી. કે અન્ય હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવેલો છે. હવે વી.એસ.હોસ્પિટલ ફરીથી શરૂ કરવામાં આવી છે, ત્યારે આ સ્ટાફને ફરીથી વીએસ હોસ્પિટલમાં બોલાવવામાં આવે. જેથી અહીં દર્દીઓને યોગ્ય સારવાર મળી શકે. વી.એસ.હોસ્પિટલ અને શેઠ ચીનાઈ પ્રસુતિગૃહને પૂરતા સ્ટાફ, જરૂરી સાધન સરંજામ અને મેડિકલ સુવિધાઓ સાથે પૂર્ણ ક્ષમતાથી ફરીથી શરૂ કરવામાં આવે. આ ઉપરાંત અરજદારની એ પણ રજૂઆત છે કે, એલ.જી. હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ અને અન્ય ખાનગી હોસ્પિટલોને કોરોનાના દર્દીની સારવારથી મુક્ત રાખો જેથી અહીં કોરોના સિવાયના દર્દીઓની સારવાર થઈ શકે. ખાનગી હોસ્પિટલમાં ‘મા યોજના’ અને ‘આયુષ્માન ભારત પ્રધાનમંત્રી આરોગ્ય યોજના’નો લાભ આપવામાં આવે. વીએસ હોસ્પિટલમાં હાલ મનોચિકિત્સા, ચામડીના રોગ, બાળરોગની સારવાર અને દાંતના દર્દની સારવાર કરવામાં આવે છે.