માંગરોળ, તા.૮
દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા વીજ ચોરીને નાથવા તથા લાઈનલોસના ઘટાડા માટે વીજચોરોને નાથવા દરોડા પાડી, મસમોટી રકમના દંડ સહિતના બિલો ફટકારવામાં આવે છે. માંગરોળ તાલુકાના વસ્તાન ગામે, હનુમાન મંદિરની સામે ઈશ્વર ભગવાન ચાવડાની ખેતીની જમીન આવેલી છે. આ જમીન હાલમાં ભાગથી પોપટ વીરજી કલકાણી ખેતી કરે છે. પરંતુ આ ખેડૂતોએ ખેતીના કામ માટે ખેતીવિષયક વીજજોડાણ મેળવ્યા વિના સીધી વીજચોરી થાંભલા ઉપરથી કરી ખેતરમાં કરેલ બોરમાં ઉતારેલ સાડાસાત હોર્સ પાવરની પાણીની મોટર ચલાવી વીજચોરી કરતા માંગરોળ, ડી.જી.વી.સી.એલ. કચેરીની ટીમના હાથે ઝડપાઈ જવા પામ્યા છે. માંગરોળ ડી.જી.વી.સી.એલ. કચેરીએ આ વીજચોરી કરવા બદલ ખેડૂતને દંડ સહિતનું ૮૮ હજાર રૂપિયાનું બિલ પકડાવી દીધું છે. સાથે જ આ ખેડૂત સામે વીજચોરી કરવા બદલ એફ.આઈ.આર. દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.