(એજન્સી) હૈદરાબાદ, તા.૨૩
હૈદરાબાદમાં વિજળી વિભાગના એક મુસ્લિમ કર્મચારીને અસામાજિક તત્વોએ તેનું નામ પૂછીને ભારે માર માર્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ સ્ટ્રીટ લાઇટ વિશેની ફરિયાદ કરવામાં આવતા વિજળી વિભાગનો કર્મચારી મોહમ્મદ શરીફ રાત્રે ૯ વાગે ગોકુલ નગર આવ્યો હતો અને સ્ટ્રીટ લાઇટ રિપેર કરીને ચાલુ કરી દીધી હતી. શરીફ પોતાની ફરજ બજાવીને ઘરે પરત જઇ રહ્યો હતો ત્યારે ૧૫ જેટલા અસામાજિક તત્વોની ટોળકીએ શરીફને રોકીને તેનું નામ પૂછ્યું હતું. શરીફે તેની સામે વાંધો ઉઠાવીને નામ પૂછવા પાછળનું કારણ જાણવા માગ્યું તો ખિજાઇ ગયેલા અસામાજિત તત્વો શરીફ પર તૂટી પડ્યા હતા અને તેને ભારે માર મારતા નાક પર ગંભીર ઇજા થઇ છે. શરીફને હોસ્પિટલે લઇ જવાતા ત્યાં તેને સારવાર આપવામાં આવી છે. ગોકુલનગરના નિવાસી કમલ કુમાર દ્વારા કરવામાં આવેલી ફરિયાદ પર શરીફ ત્યાં લાઇટ રિપેર કરવા માટે ગયો હતો. તેને જાણીજોઇને નિશાન બનાવવામાં આવ્યો છે. આ ઘટના બતાવે છે કે મુશ્કેલ અને કપરા સમયમાં પણ શહેરમાં સંકટ સર્જનારી ટોળકીઓ સક્રિય છે. મોહમ્મદ શરીફે હબીબ નગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.