(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૩
ગુજરાત સરકાર એક તરફ દાવો કરે છે કે રાજ્યમાં ઓછી વીજ માંગ હોય તો ત્યારે અન્ય રાજ્યોમાં વીજ-વેચાણ કરાય છે. એટલે કે, રાજ્યની વીજ અંગેની બધી માંગ પૂર્ણ કર્યા બાદ વીજળી વેચાણ કરવામાં આવે છે તો પછી રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ૧.૩પ લાખ જેટલી વીજ-કનેકશનોની માગણીઓ કરતી અરજી પડતર કેમ રહેવા પામેલ છે. રાજ્યના ૩ર જિલ્લાઓમાં વીજ-કનેકશન અંગેની આ પડતર અરજીઓની વિગતો ખુદ સરકાર તરફથી આપવામાં આવી છે તો પછી સરકારનો વીજ-માંગ સંતોષવાનો દાવો સાચો કે ખોટો ? તેવો પ્રશ્ન ઉદ્દભવે છે. આ પડતર અરજીઓ પૈકી ર૭,પ૮૧ અરજીઓ તો છેલ્લા બે વર્ષથી વીજ-કનેકશન માટે પડતર રહેલ છે !
વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન ધારાસભ્યો દ્વારા પૂછાતા પ્રશ્નોના જવાબમાં રાજ્ય સરકારના જ મંત્રીએ આપેલી વિગતો પરથી સરકારનો દાવો અને તેની સામે વીજ-કનેકશન માગતા અરજદારોની સ્થિતિનો ચિતાર રજૂ કરે છે એટલે કે સરકાર બતાવે છે કંઈક અને સ્થિતિ છે કંઈક ! સરકાર તરફથી રાજ્યમાં વીજ અંગે ઓછી માંગ હોય ત્યારે જ અન્ય રાજ્યોને વીજળીનું વેચાણ કરવામાં આવતું હોવાનો એકતરફ દાવો કરાય છે. સરકારના દાવા અનુસાર વીજમથકોનો મહત્તમ ઉપયોગ કરવાના હેતુથી રાજ્યમાંની કૃષિ સહિતની તમામ પ્રકારની વીજ માંગને પૂર્ણ કર્યા બાદ વીજળી વેચવામાં આવે છે. એટલે કે રાજ્યમાં વીજળી અંગેની તમામ પ્રકારની માગણી-જરૂરિયાતો પૂર્ણ કર્યા બાદ જ અન્ય રાજ્યોને વીજળીનું વેચાણ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં જો સરકારનો દાવો સાચો હોય અને વીજળી ઈચ્છતા વીજ કનેકશનોની માગણી પણ પૂર્ણ કરાતી હોય તો પછી આવી વીજ-કનેકશનોની અરજીઓ પડતર રહેવી ન જોઈએ.
ત્યારે ખરી હકીકત સરકાર દ્વારા જ જવાબમાં જણાવાઈ છે તે મુજબ રાજ્યના ૩ર જિલ્લાઓમાં કૃષિ વિષયક વીજ કનેકશન મેળવવા માટેની ૧,૩પ,૯ર૩ અરજીઓ પડતર છે જે પૈકી બે વર્ષ સુધીની પડતર ર૭,પ૮૧ અરજીઓ છે અને બે વર્ષ કરતાં પણ વધુ સમયથી વીજ-કનેકશન માગતી ૧૭૯૮ અરજીઓ પડતર છે. જેમાં સૌથી વધુ બનાસકાંઠામાં ૧૬,૧૬૬ અરજી પડતર છે તે પછી રાજકોટમાં ૧૦,૪૧પ અરજીઓ પડતર છે.