(એજન્સી)
નવી દિલ્હી, તા. ૨૯
ઉત્તરપૂર્વ દિલ્હીમાં હિંસા વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં કેટલાક પોલીસવાળા ૨૩ વર્ષીય એક યુવક સહિત પાંચ લોકોને રાષ્ટ્ર ગીત ગાવા મજબૂર કરી રહ્યા છે. વીડિયોમાં દેખાતા ૨૩ વર્ષીય યુવકનું ગુરૂવારે મૃત્યુ નીપજ્યું હતું. આ યુવકને ઉત્તરપૂર્વ દિલ્હીના હિંસાગ્રસ્ત વિસ્તાર કરદમપુરીના નિવાસી ફૈઝાન તરીકે ઓળખી પાડવામાં આવ્યો છે. ફેક્ટ ચેકિંગ વેબસાઇટ AltNews દ્વારા આ વીડિયોની ખરાઇ કરવામાં આવી છે. વીડિયોમાં ઘવાયેલા પાંચ યુવકો રોડ પર પડેલા છે અને રાષ્ટ્ર ગીત ગાઇ રહ્યા છે. કેટલાક યુવકોને રાષ્ટ્ર ગીત ગાવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. વીડિયોમાં આ યુવકોની ફરતે કેટલાક પોલીસવાળાઓને ઉભા રહેલા જોઇ શકાય છે. બે પોલીસવાળાઓને તો તેમની લાઠી યુવકોના ચહેરા તરફ બતાવતા જોઇ શકાય છે. એટલું જ નહીં, વીડિયોમાં એક પુરૂષનો અવાજ સાંભળી શકાય છે, તે કહી રહ્યો છે ‘અચ્છી તરહ ગાવો’. ફૈઝાનને જીટીબી હોસ્પિટલમાં મૃત્યુપામેલો જાહેર કરવામાં આવ્યો છે. તેના પરિવારે એવો આરોપ મૂકયો છે કે વાયરલ થયેલા વીડિયોમાં બતાવવામાં આવેલા ફૈઝાન સાથે અન્ય યુવકોને પોલીસ કસ્ટડીમાં લઇને ઢોર માર મારવામાં આવ્યા હતા. ફૈઝાનની માતાએ કહ્યું કે ફૈઝાનને સળિયાથી મારવામાં આવ્યો હતો. તેના પગ ભાંગી ગયા હતા. ભારે મારને કારણે ફૈઝાનની પીઠ કાળી થઇ ગઇ હતી. પહેલા તેને રોડ પર મારવામાં આવ્યો અને ત્યાર પછી પોલીસ તેને ક્યાંક લઇ ગઇ હતી પરંતુ ક્યાં લઇ ગઇ હતી, તે હું જાણતી નથી.