(એજન્સી) લખનૌ, તા.૬
ઉત્તરપ્રદેશના કાનપુર જિલ્લામાં દરોડાની કાર્યવાહી દરમિયાન આઠ પોલીસને ઠાર મારનારા કુખ્યાત ભાગેડુ વિકાસ દુબેએ એક વીડિયોમાં પોતાના રાજકીય સંબંધોનો ખુલાસો કર્યો હતો. આ વીડિયોમાં વિકાસ દુબેએ દાવો કર્યો હતો કે, ઉત્તરપ્રદેશના પૂર્વ વિધાનસભા સ્પીકર હરિ ક્રિષ્ના શ્રીવાસ્તવ તેના રાજકીય ગુરૂ છે. તેઓ જ તેને રાજકારણમાં લાવ્યા હતા. તારીખ કે સમય વિનાના આ વીડિયોમાં ગેંગસ્ટર વિકાસ દુબેએ પોતાના રાજકીય સંબંધોની વિગતવાર વાત કરી હતી. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર વ્યાપક પ્રમાણમાં શેર થઈ રહ્યો છે. વર્ષ ૧૯૯૦-૯૧ દરમિયાન મુલાયમસિંહ યાદવ સરકારમાં શ્રીવાસ્તવ સ્પીકર હતા. આ વીડિયોમાં વિકાસ એવું કહેતા સાંભળવા મળ્યો હતો કે, ગુનાખોરી સાથે તેના કોઈ સંબંધો નથી. વિકાસ દુબેએ દાવો કર્યો હતો કે તેની વધતી જતી લોકપ્રિયતાના કારણે તેની સામે કેસો નોંધવામાં આવે છે. તેમના હરિફો ઈર્ષાના કારણે આવું કરી રહ્યા છે.