અમદાવાદ, તા.૧૬
વીમાકંપનીઓ સામે દાવાની રકમ નહીં ચૂકવવાની અથવા અધૂરી રકમ ચૂકવવાના મુદ્દે ગ્રાહક ફોરમમાં ઈન્સ્યોર્ડ દર્દીઓની ફરિયાદો દિન-પ્રતિદીન સતત વધતી રહે છે. દર્દીઓ વર્ષો સુધી બેફામ ઊંચા પ્રીમિયમો ચૂકવે પરંતુ વીમાકંપનીઓ દાવો ચૂકવવા વિવિધ ઉપજાવી કાઢેલા કારણો દર્શાવી દાવાની રકમ ચૂકવતા નથી. આખરે ગ્રાહક કોર્ટમાં જ ઈન્સ્યોર્ડ દર્દીઓને વળતર અને ન્યાય મળે છે.
અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારના ભુપેન્દ્ર બી.શાહે મુંબઈથી ધી ઓરિએન્ટલ ઈન્સ્યોરન્સ કં.લી.ની સમઈન્સ્યોર્ડ રૂા.૧,૦૦,૦૦૦ની મેડિક્લેમ પોલિસી મેળવેલ. વડોદરાની ખાનગી કંપની જેએમએસએલ વેબ સોલ્યુશન પ્રા.લી. વીમાકંપની વતી માર્કેટિંગ કરી ક્લેમફોર્મ ક્લેક્ટ કરતી હતી. જ્યારે વડોદરાની રક્ષા ટીપીએ પ્રા.લી ક્લેમ પ્રોસેસ કરતી હતી. ઈન્સ્યોર્ડ દર્દીને લાઈવ પોલિસી દરમિયાન અમદાવાદની હોસ્પિટલમાં લિક્વિફાઈડ લિવર એક્સેસની ઓપીડી બેઝ સારવાર મેળવેલ. વડોદરા ગ્રાહક ફોરમે ફરિયાદ ચલાવવાની ક્ષેત્રિય હકુમતના હોઈ યોગ્ય હકુમતવાળા ફોરમમાં ફરિયાદ કરવાનો હુકમ કરેલ. ઈન્સ્યોર્ડ પાસે પ્રપોઝલ ફોર્મ વડોદરામાં ભરાવી પોલિસી મુંબઈથી ઈસ્યુ થઈ હતી.
વીમાકંપનીએ દાવાની રકમ નહીં ચૂકવતા અમદાવાદ શહેરના મુખ્ય ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ (અખિલ ભારતીય)ના પ્રમુખ મુકેશ પરીખે ગ્રાહક સુરક્ષા ધારા અન્વયે ફરિયાદ દાખલ કરી વીમાકંપનીના નિર્ણયને ચેલેન્જ કરી પડકારેલ અને લેખિત તેમજ મૌખિક દલીલો કરી હતી.
વીમાકંપનીએ ક્ષેત્રિય હકુમતની તકરાર લીધી હતી. તેમજ ક્લેમ કયા કારણોસર સ્વીકારવામાં આવ્યો નહતો તે અંગે તેમજ પોલિસીની ટર્મ્સ એન્ડ કન્ડીશનનો બાધ નડતો હોય કે કોઈ એક્સક્લુઝન ક્લોઝનો બાધ નડતો હોય તેવું સાબિત કરી શક્યા નહીં. ફરિયાદીએ ગ્રુપ ફેમિલી ફ્લોટર પોલિસી લીધેલ અને ફરિયાદના કામે તમામ દસ્તાવેજી પુરાવા રેકર્ડ ઉપર મૂક્યા હતા.
અમદાવાદ શહેર ગ્રાહક તકરાર નિવારણ ફોરમના પ્રમુખ એલ.એસ. રબારી અને સભ્યો એચ.જે. ધોલકિયા અને વી.એ.જેરામે ફરિયાદ મંજુર કરીને મેડિકલ ખર્ચના રૂા.ર૩,૪૪૯ વર્ષ તા.૩૦/૦૯/ર૦૧૪થી રકમ ચૂકવી આપે ત્યાં સુધી વાર્ષિક ૯ ટકાના વ્યાજ સાથે તેમજ ખર્ચના અલગથી રૂા.૩૦૦૦ ચૂકવી આપવા હુકમ કર્યો છે. ગ્રાહક ફોરમે અવલોકન કરેલ કે, મેડિકલ ખર્ચો ચુકવવાપાત્ર છે. પોલીસી અંગે અને ખર્ચા અંગે કોઈ તકરાર નથી. ક્લેમ નકારવામાં આવેલ નથી તેથી તે સંજોગોમાં પણ જ્યારે વીમાકંપની બતાવી શકે કે ક્લેમની રકમ મેળવવા માટે ફરિયાદી કયા કારણોસર હકદાર નથી. આથી ક્લેમની રકમ મેળવવા ફરિયાદી હકદાર છે તેવો ઠરાવ અને હુકમ કરવામાં આવ્યો છે.