(સંવાદદાતા દ્વારા) વીરપુર,તા.ર૧
વીરપુર તાલુકાનાં સરાડિયા ગામને છેલ્લા ૩૦ વર્ષથી પાયાની સુવિધાઓથી વંચિત રખાયું છે. આઝાદી પછી પણ સરાડિયા ગામના લોકો ખુબ દુખ સાથે પોતાની વેદના વ્યક્ત કરી રહ્યાં છે. વીરપુર તાલુકાના સરાડિયા ગામનો વિકાસ માત્ર સફેદ કાગળ ઉપર દેખાઈ રહ્યો છે. છેલ્લા વીસ વર્ષથી રાજ્ય સરકાર દ્વારા વીરપુર તાલુકાને તેમજ ગ્રામ પંચાયતોને કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપી હોવા છતાં વહીવટ કર્તાઓ બિલકુલ કામ કરતા નથી.
સરાડિયા ગામના રસ્તાઓને જોતા લાગે છે કે આ રસ્તાઓ કોઈ વાહન ચાલકો કે રાહદારીઓ માટે નથી પણ આવા રસ્તાઓની દેન વીરપુર તાલુકાના રાજકીય નેતાઓની જ છે. આ ગામના રસ્તા ઉપર બે-બે ફુટના ગાબડા પડી ગયા છે. રસ્તાઓની ખરાબ દુર્દશાઓની ક્યારે અંત આવશે ? તેવો પ્રશ્ન સરાડિયા ગામની પ્રજા માંગ કરી રહી છે.
૮૦૦૦ની વસ્તી ધરાવતા આ ગામમાં રસ્તા પર ઘૂળની ડમરી ઉડે છે. ખાડા અને પત્થર જ દેખાય છે. કેનાલ ચોકડીથી માનાવત ૩ કિલોમીટર રસ્તો, કેનાલ ચોકડીથી ભોયવાડા, ગોટી ૨ કિલોમીટર તેમજ પહાડિયા ચોકડીથી હાડોળને જોડતો રસ્તાઓને આજદિન સુધી પાકા રસ્તાની સુવિધા મળેલ નથી. જેના કારણે અવાર નવાર તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. આ તમામ રસ્તા પર ૭૦૦ વિદ્યાર્થીઓ રોજ શાળામાં ભણવા જાય છે. વારંવાર ગાડી, સાઈકલ, બળદગાડુ, જેવા વ્હીકલ પંચર થાય છે. તેમજ વાગવાના પણ ઘણા બનાવ બની ચૂક્યા હોવા છતાં વહીવટીદાર મૌન સેવી રહ્યા છે. તંત્રને મૌખિક, લૈખિત રજૂઆત કરી છે પરંતુ તમામ રજૂઆતો એક કાનેથી સાંભળી બીજા કાનેથી કાઢી નાંખી હોય તેવુ દેખાઈ આવે છે.