વીરપુર, તા.રપ
વીરપુર તાલુકાના ગાધેલી ગામે રાજસ્થાનથી મજૂરી કામ અર્થે આવેલા દંપતીનો દોઠ વર્ષનો બાળક કામરેજના અમોલીથી પોલીસે શોધી કાઢતા વિરપુર પોલીસની સરાહનીય કામગીરી પ્રકાશમાં આવી છે. તાલુકાના ગાધેલી ગામે રાજસ્થાનના શ્રમજીવી પરિવાર રમેશભાઈ નિનામા ગાધેલી ગામે ઈંટોના ભઠ્ઠા માટે મજૂરી કામ માટે આવ્યું હતું બે દિવસ પૂર્વે રાત્રીના સમયે ઈંટો પાડવા બાજુના ખેતરમાં કામ કરી રહ્યા હતા. તે દરમ્યાન કોઈ અજાણ્યા વ્યક્તિ છાપરામાં સુતો દોઠ વર્ષના બાળકને ઉઠાવી ભાગી ગયો હતો. જેને લઈને બાળકના પિતા દ્વારા વિરપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બાદમાં વિરપુર પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી શંકાસ્પદ વ્યક્તિઓની ડીટેલ તેમજ મોબાઇલ લોકેશન ટ્રેક કરી તપાસ આદરી હતી. વિરપુર પીએસઆઇ એક ટીમ બનાવી સુરત જવા રવાના થયા તે દરમ્યાન સુરતના કામરેજ વિસ્તારના અમોલી ગામે મોબાઇલ લોકેશન ટ્રેક કરી બબુડી ઉર્ફે મમતા ઘરે તપાસ કરતા રમેશભાઇનું બાળક મળી આવ્યું હતું પણ બબુડી ઉર્ફે મમતા પોલીસ પકડથી ભાગી છૂટી હતી અને શંકમંદ બબુડી ઉર્ફે મમતા દ્વારા શા માટે બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું તેની શોધખોળ આદરી છે.