ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે રિટ કરતા હાઈકોર્ટે સરકાર અને અન્ય પ્રતિવાદીઓને નોટિસ પાઠવી હતી

અમદાવાદ,તા.રપ
ગુજરાતના ગરીબ દર્દીઓ માટે જીવાદોરી સમાન અમદાવાદની ઐતિહાસિક વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ તથા ચીનાઈ પ્રસુતિગૃહ અગાઉની જેમ ૧૧૦૦ બેડની પૂર્ણ ક્ષમતાથી પુનઃ ધમધમતી કરવાની માગ સાથે ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા કરવામાં આવેલી રિટ સંદર્ભે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને ન્યાયાધીની ખંડપીઠે રાજય સરકાર તથા અન્ય પ્રતિવાદીઓને નોટિસ પાઠવીને જવાબ રજૂ કરવા આદેશ કરતા મ્યુનિસિપલ તંત્રમાં દોડધામ મચી ગઈ છે અને શું જવાબ રજૂ કરવો તે અંગે કાનૂની માર્ગદર્શન મેળવાઈ રહ્યું છે. કોરોના જેવી મહામારીના સમયમાં જયારે એસવીપી હોસ્પિટલને કોવિડ તરીકે અનામત રાખવામાં આવી છે. ત્યારે કોરોના સિવાયની અન્ય બીમારીના દર્દીઓને સારવારના અભાવે હાલત કફોડી બની છે. આ મુદ્દે ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે સિનિયર એડવોકેટ આનંદ યાજ્ઞિક દ્વારા ગુજરાત હઈાકોર્ટમાં રિટ પિટિશન કરવામાં આવી હતી. જેમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે એસવીપી સહિત અન્ય સરકારી હોસ્પિટલો કોવીડ માટે રિઝર્વ રખાતા અને વી.એસ. હોસ્પિટલ બંધ જેવી હોવાથી અમદાવાદમાં કોરોના કરતા અન્ય બીમારીથી ચાર ગણા વધુ દર્દીઓ મોતને ભેટયા છે. હાઈકોર્ટ પણ દુરંદેશી વાપરી નાગરિકોના હિતમાં સારવાર મળી રહે તે માટે વીએસ હોસ્પિટલને શરૂ કરવાની શકયતા તપાસી પુનઃ સજીવન કરવા એક માસમાં બે વખત ગંભીરતાપૂર્વક યોગ્ય હુકમ કર્યો છે. એસવીપી હોસ્પિટલ શરૂ કરતા અગાઉ જુની વીએસ હોસ્પિટલના દાતા ટ્રસ્ટીઓ દ્વારા વર્ષ ર૦૧૮-૧૯માં હાઈકોર્ટમાં કરેલી પીઆઈએલની સુનાવણી દરમ્યાન અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન વતી એડવોકેટ જનરલે એફિડેવીટ ફાઈલ કરીને તમામ સંજોગોમાં પ૦૦ બેડની વી.એસ. ચાલુ રાખવા તેમજ એક ટાંકણી સુધ્ધાં પણ નહી ખસેડવાની બાંહેધરી આપી હતી. તેમ છતાં મ્યુનિ. સત્તાધિશોએ હાઈકોર્ટમાં આપેલી બાંહેધરીથી કાનૂની રક્ષણ મેળવવા ફકત જનરલ ઓપીડી ચલાવવામાં આવે છે. ૧૮ જૂન ર૦ર૦ના રોજ જુની વી.એસ. હોસ્પિટલને ચાલુ કરવા હાઈકોર્ટમાં ચાલતી સુઓમોટો દરમ્યાન અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન વતી એડવોકેટ જનરલે વી.એસ. હોસ્પિટલમાં જનરલ ઓપીડી, ગાયનેક, ઓર્થોપેડીકની સુવિધા શરૂ કર્યાનો પોકળ દાવો કર્યો હતો. તેના ચાર દિવસ બાદ જ દરિયાપુર ડબગરવાડની રાઝિયાબાનુ અબ્દુલ્લાભાઈ શેખ નામની પ્રસુતાને ગંભીર સ્થિતિ હોવા છતાં દાખલ કરવાની ના પાડી અમારી પાસે હાયર સ્પોર્ટ સીસ્ટમનો અભાવ છે. તેમ કહી સારવાર કરવાની ના પાડતા તેમને અન્ય હોસ્પિટલમાં લઈ જતા રસ્તામાં જ પ્રસુતા અને તેના ગર્ભમાં રહેલા જોડાયા બાળકો સહિત ત્રણેયનાં મોત નીપજયા હતા. જે માનવતાનો ગંભીર કિસ્સો બનવા પામ્યો હતો. આજ રીતે વી.એસ.માં આવતા દર્દીઓને પરાણે એસવીપીમાં સારવાર માટે ફરજ પડાતી હતી. ઈમરજન્સીમાં પણ દર્દીઓને વીએસ હોસ્પિટલમાં દાખલ કરાતા નથી. આથી કોરોના મહામારીના સમયમાં અન્ય બીમારીથી પીડાતા અને અકાળે મોતને ભેટતા દર્દીઓના હિતમાં વીએસ હોસ્પિટલને પુનઃ સજીવન કરવા ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે માગણી કરી છે.