(સંવાદદાતા દ્વારા) અમદાવાદ,તા.૧પ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આજરોજ મળેલી બજેટ અંગેની ખાસ બેઠકમાં મકતમપુરા વોર્ડના કોંગ્રેસના કાઉન્સિલર રોશનબેન વોરાએ વી.એસ. હોસ્પિટલના ખાડે ગયેલા શાસન સ્ટાફનો અભાવ, સાધનોની અછત, પ્રાથમિક સુવિધાઓનો અભાવ જેવી અસંખ્ય બાબતો અંગે શાસક ભાજપ પર પસ્તાળ પાડી હતી. તેમણે ચર્ચા દરમ્યાન જણાવ્યું હતું કે વી.એસ. હોસ્પિટલના દરેક વોર્ડમાં સ્ટાફનો અભાવ છે. સાધનો પણ પૂરતા નથી. વોર્ડ બોયના અભાવે દર્દીઓના સગાને સ્ટ્રેચર કે વ્હીલચેર ચલાવવાની ફરજ પડે છે. આ ઉપરાંત ટ્રોમા સેન્ટરની બાજુમાં આવેલા જૂના ઈમરજન્સી વોર્ડમાં વેન્ટીલેટર મશીનો બંધ હાલતમાં છે. અમુક રીપેરમાં અપાય છે તો લાંબો સમય સુધી પરત આવતા નથી. ન્યુરોપોસ્ટ વોર્ડમાં ત્રણ માસથી એસી બંધ છે. વોર્ડ નં.૧૪મા ડાયાલીસીસના દર્દીઓ માટે મશીનો ખૂબ ઓછા હોવાથી ખૂબ તકલીફ પડે છે. નવા બે મશીનોની માગણી મંજૂરીમા છે કહીને ટાળી દેવામાં આવે છે. બાળકોના વોર્ડની સ્થિતિ વિશે રોશનબેન વોરાએ ખૂબ જ લાગણીભર્યા સ્તરે જણાવ્યું કે બાળ દર્દીઓની સંખ્યા ખૂબ જ મોટી છે. તેની સામે માત્ર ત્રણ નેબ્યુલાઈઝર છે. રૂમ નં.૪મા પંખા પણ બંધ હાલતમાં છે. બારીઓના કાચ તૂટેલા છે. ઉપરાંત આઈસીસીયુ વોર્ડમાં ૩ જૂના અને ર નવા મળી પાંચ ડીએફ મશીનો છે. તેમાંથી જુના મશીનો વારંવાર બગડી જતા હોવાથી હોસ્પિટલ સ્ટાફ અને દર્દીઓ હેરાન થાય છે. ઉપરાંત આઈસીસીયુ વોર્ડમાં સેન્ટ્રલ મોનિટર મશીન ચાર વર્ષથી બંધ હોવા છતાં વારંવારની રજૂઆત બાદ પણ ચાલુ કરાતું નથી. એક્ષ-રે વિભાગમાં ટેકનિશિયન સ્ટાફ ખૂબ ઓછો છે. એમાંય બપોરે ૧થી ર વાગ્યા સુધી બે બારીઓ બંધ હોવાથી દર્દીઓની લાંબી કતારો જામે છે. આથી કોઈ એક બારી ચાલુ રાખવી જોઈએ. આજે પથી સવારે ૯ સુધી રજિસ્ટ્રેશન કલાર્ક ન હોવાથી ટેકનિશિયનને જાતે રજિસ્ટ્રેશન કરવું પડે છે. એક્ષ-રે લઈ જનાર દર્દીની કોઈ નોંધ થતી નથી. પોર્ટેબલ એક્ષ-રે પાડવાની કેસેટો તૂટેલી છે. પરિણામે વોર્ડમાં જઈ એક્ષ-રે લઈ શકાતા નથી આવી નાની નાની અનેક ફરિયાદોનો વહેલી તકે નિકાલ લાવવા તેમણે રજૂઆત કરી હતી.
વી.એસ.ના ગાયનેક વોર્ડની હાલત સૌથી વધુ દયનીય
બારીઓમાં જાળીઓ ન હોવાથી વાંદરાનો ભય
મ્યુનિ.બજેટ બેઠકમાં ગાયનેક વોર્ડની સમસ્યાની ચર્ચા કરતા રોશનબેન વોરાએ જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં સૌથી વધારે દયનીય હાલત ગાયનેક વોર્ડની છે. નવજાત શીશુઓને સુવાડવાની પથારીઓ ખૂબ જ ગંદી જોવા મળી હતી. આ વોર્ડમાં બારીઓ ખૂબ મોટી હોવાથી આસપાસના વૃક્ષો પર આવતા વાંદરાઓ વોર્ડમાં પ્રવેશી જતાં હોય છે. આથી બારીઓ પર લોખંડની જાળીઓ લગાવવી જોઈએ. ઉપરાંત નોર્મલ ડિલીવરીના કેસમાં જે સ્ત્રીનું બાળક ઓછા વજનનું હોય કે અન્ય કારણસર તેને એનઆઈસી એટલે કે કાચની પેટીમાં રાખવાની જરૂર ઊભી થાય તો તે ગ્રાઉન્ડ ફલોર પર છે જ્યારે વોર્ડ ત્રીજા માળે હોવાથી મહિલાને બાળકને ફીડીંગ કરાવવા દર કલાકે નીચે આવવું પડે છે. એમાંય લિફટ જૂની હોવાથી વારંવાર ખોટવાઈ જતી હોવાથી મહિલાને પગથિયા ઉતરી નીચે આવવું પડે છે. આથી આવી માતાઓના બેડ નજીકના જ રૂમમાં રાખવા માનવતાના ધોરણે વ્યવસ્થા કરવી જોઈએ. ઉપરાંત આ વોર્ડમાં માત્ર ત્રણ ટોઈલેટ છે. જેમાંથી એક ટોઈલેટ એક માસથી બંધ છે. ફરિયાદ કરવા છતાં તેનો નિકાલ થતો નથી. આથી દર્દીઓની તકલીફોને ધ્યાનમાં લઈ તમામ બાબતોનો વહેલી તકે નિકાલ લાવવા તેમણે માગણી કરી હતી.
તમારા જ એએમટીએસના ચેરમેનને પૂછો
હોસ્પિટલનો વહીવટ કેવો ચાલે છે !
મ્યુનિ. બજેટ બેઠકમાં ચાંદખેડા વોર્ડના કાઉન્સિલ રાજશ્રીબેન કેસરી વિપક્ષના વી.એસ.હોસ્પિટલના સુધારા બજેટ પર ચર્ચા કરી રહ્યા હતા ત્યારે ભાજપના કાઉન્સિલર મયુર દવેએ વચ્ચે બોલી તેમને વારંવાર બોલતા અટકાવતા કોંગ્રેસના કાઉન્સિલર ઈકબાલ શેખ ઉશ્કેરાઈ ગયા હતા અને જણાવ્યું હતું કે, મયુરભાઈ તમે પોતે જાણો છો કે વી.એસ.હોસ્પિટલનો વહીવટ કેવો છે. તમારા એએમટીએસના ચેરમેને પણ મેયરને આ અંગે રજૂઆત કરી હતી. એમ જણાવતા જ બોર્ડમાં ગરમી આવી ગઈ હતી અને ભાજપ કોંગ્રેસના સભ્યો સામસામે આવી ગયા હતા. ઈકબાલ શેખે વધુમાં જણાવ્યું હતું કે હોસ્પિટલના જૂના ઈ વોર્ડમાં રોજના ૩૦થી ૪૦ દર્દીઓ આવે છે તેની સામે ૧૪ કે ૧પ જ બેડ હોવાથી એક એક બેડ પર બે દર્દીઓને સુવાડવા પડે છે. કેટલાક દર્દીઓને સ્ટ્રેચર કે વ્હીલચેરમાં રાખવા પડે છે. દર્દીઓના સગાને હાથમાં બાટલા લઈ ઊભા રહેવું પડે છે. તાજેતરમાં જ એએમટીએસના ચેરમેન તેમના સગાને લઈ આવ્યા હતા તો કંટાળીને તેઓ બહાર આવી ગયા હતા. તેમણે આ અંગે મેયરને ફરિયાદ પણ કરી હતી. આપણી પાસે કરોડો રૂપિયાનું બજેટ હોય ત્યારે રૂમ મોટા કરવા જોઈએ એમ જણાવી ઈકબાલ શેખે ઉમેર્યું કે અમારા કાઉન્સિલર જ્યારે સુધારા પર બોલતાં હોય ત્યારે કેમ રોકવામાં આવે છે ? તેવો પ્રશ્ન ઉઠાવતા ચકમક ઝરી હતી.