(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર૮
અમદાવાદ સહિત રાજ્યભરના દર્દીઓ માટે જીવાદોરી સમાન ગણાતી વી.એસ. હોસ્પિટલ મુદ્દે સંકલનના અભાવે શાસક પક્ષ અને વહીવટીતંત્ર જુઠ્ઠા સાબિત થયા છે. વી.એસ. હોસ્પિટલ બંધ કરવાના મુદ્દે ભારે ઉહાપોહ થતા અને હાઈકોર્ટમાં જવાબ રજૂ કરવાની નોબત આવતા મેડીકલ સુપ્રિન્ટેન્ડેન્ટસે આજરોજ એક અખબારીયાદી દ્વારા ખુલાસો કરવો પડ્યો કે વાડીલાલ સારાભાઈ જનરલ હોસ્પિટલ તોડી પ૦૦ બેડનું નવું બિલ્ડીંગ બનાવી અમદાવાદના દર્દીઓને સારી તબીબી સેવા આપવાનું આયોજન છે. બીજી તરફ મેયરે આજે મળેલી સામાન્ય સભામાં કેથલેબ તોડવા અંગે જણાવ્યું હતું કે, અમારે કેથલેબ તોડવાની જ નથી. સાધન-સામગ્રી વેચવાની છે. તેવો હાસ્યાસ્પદ જવાબ આપ્યો હતો. વી.એસ. હોસ્પિટલની એક કાંકરી પર નહીં હટાવાય અને એક ટાંકણી પણ નહીં વેચાય તેવી વાત કરતા તંત્રની બે મોઢાની વાતો ખુલ્લી પડી ગઈ છે. આજરોજ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેટન્ટ દ્વારા ઓપીડીમાં સારવાર લેવા આવેલા દર્દીઓ અને તેમના સગાના ફોટા જાહેર કરી હાલ વા.સા. હોસ્પિટલમાં પ૦૦ બેડની સુવિધા સાથે મેડિસીન, ગાયનેક સર્જરી, ઈ.એન.ટી., ઓર્થોપેડિક, પિડિયાડ્રીક વોર્ડની સુવિધા ચાલુ છે તે દર્શાવવાનો પ્રયાસ કરાયો છે.
આ જ યાદીમાં વધુમાં જણાવાયું છે કે, વા.સા. હોસ્પિટલના બિલ્ડીંગના રીટ્રોફિટીંગ અને રિનોવેશનની જરૂરિયાત જણાતા સ્ટ્રક્ચરલ એન્જિનિયરના અભિપ્રાય અનુસાર હેરિટેજ ટાવર અને વોર્ડ નંબર ૧થી ૬ સિવાયની મેઈન બિલ્ડીંગ તથા ગાયનેક બિલ્ડીંગ અને ઓપીડી બિલ્ડીંગ ભૂકંપની દૃષ્ટિએ અસુરક્ષિત હોવાથી સલામતીને ધ્યાનમાં લઈ આ બિલ્ડીંગો ડિમોલિસ કરવાની તથા નવું કન્સ્ટ્રક્શન કરવાની મંજૂરી આપવામાં આવી છે. આથી પ૦૦ બેડ પ્રમાણેની વ્યવસ્થા ટ્રોમા સેન્ટર, ઓપીડી બિલ્ડીંગ, હેરિટેજ ટાવર બિલ્ડીંગ અને વોર્ડ નં. ૧થી ૬માં ગોઠવીને ચાલુ રાખવામાં આવી હોવાનો દાવો કરાયો છે. આ ઉપરાંત કેથલેબ અંગે એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે, હાલની ટેકનોલોજી પ્રમાણે કેથલેબ આઉટ ઓફ ડેટ થઈ ગઈ હોવાથી તેમજ એસવીપી ખાતે સુપર સ્પેશિયાલિટી તબદીલ કરેલ હોવાથી તથા વી.એસ.માં સુપર સ્પેશિયાલિટી વિભાગો ન હોવાથી કેથલેબને ઓક્શન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આમ એક તરફ હોસ્પિટલ તંત્ર કેથલેબ તોડવાની વાતને માને છે જ્યારે મેયર કહે છે કેથલેબ તોડવાની નથી માત્ર સાધન સામગ્રી વેચવાની છે તો મેયરે એટલું જ સમજવું રહ્યું છે. સાધનો વિના કેથલેબની દિવાલોમાં નિદાન કે સારવાર કઈ રીતે કરાશે ? આમ, હાઈકોર્ટે વી.એસ. હોસ્પિટલને પુનઃ સજીવન કરવાની ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા કરવામાં આવેલી રિટમાં હાઈકોર્ટે નોટિસ પાઠવ્યા બાદ હોસ્પિટલ તંત્ર અને શાસક ભાજપ બચાવની મુદ્રામાં આવી ગયા છે અને સંકલનના અભાવે વિરોધાભાસી નિવેદનો કરી પોતે પોતાના જ નિવેદનોમાં ભેરવાઈ રહ્યા છે.