(સંવાદદાતા દ્વારા) ભરૂચ, તા.૭
વૃદ્ધાવસ્થામાં પોતાની આજીવનની કમાઈ ભેગી કરી વિદેશી ટૂરના સ્વપ્ન સેવતા ભરૂચના રર જેટલા સિનિયર સિટિઝન યુગલોને નિશાન બનાવી વડોદરા કારેલીબાગ સ્થિત સ્ટાર ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકો રૂા.ર૬ લાખ ઉપરાંતનું ફુલેકું ફેરવી જતાં ચકચાર વ્યાપવા પામી છે. ફરિયાદીએ ર૩/ર/૧૮ના રોજ આ અંગે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ કરવા છતાં પોલીસે માત્ર અરજી લઈ આજદિન સુધી કોઈ કાર્યવાહી કરી નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા કારેલીબાગ સ્થિત સ્ટાર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકો પરીન ઉર્ફ પૂલીન ઠક્કર, મનન શાહ તેમજ નિર્મલ વ્યાસ નામના ઈસમોએ દુબઈ સહિત વિદેશ પ્રવાસની લોભામણી જાહેરાતો કરી ભરૂચના બિપિનચંદ્ર બાબુભાઈ જગદીશવાલા (ઉ.વ.૬૦ રહે. મજમુદાર એસ્ટેટ, સેવાશ્રમ સામે, ભરૂચ) સહિત ભરૂના અન્ય રર જેટલા સિનિયર સિટિઝન યુગલોને ૭ દિવસ અને ૬ રાત્રિ દુબઈમાં રોકાણ સાથે ભરૂચ-દુબઈથી ભરૂચની ટૂર પેકેજની લાલચમાં ફસાવી ત્યારબાદ સ્ટાર ટૂર્સ ટ્રાવેલ્સના સંચાલકોએ રર યુગલોના કપલ દીઠ રૂા.૧,રર,૦૦૦ બે તબક્કે ઉઘરાવ્યા હતા. જેમાં વૃદ્ધ યુગલોએ એકાઉન્ટ પે ચેક બનાવવા વણાવતા ગઠિયા પરીન ઉર્ફ પૂલીન ઠક્કરે તેઓને અકબર ટ્રાવેલ્સ ઓફ ઈન્ડિયા પ્રા.લી., તેમજ બિન્દ્રા હોલી ડે સ્ટાર ટૂર અને ઋત્વા હોલિડેઝ સહિત અલગ-અલગ કંપનીના ચેકો બનાવી રૂા.ર૬.૮૪ લાખ ઉપરાંતની રકમ ખંખેરી લઈ રાતોરાત ઉઠમણું કરી પલાયન થઈ જતાં વૃદ્ધાવસ્થામાં પોતાના જીવન સાથી સાથે વિદેશ પ્રવાસના સ્વપ્ન સેવતા રર જેટલા પરિવારોમાં સોંપો પડી જવા પામ્યો હતો.