નવી દિલ્હી, તા.૭
ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સ ર૦૧૮માં શનિવારે ભારતને ચોથો ગોલ્ડ મેડલ મળ્યો. આર. વેંકટ રાહુલ (૮પ કિલો) સુવર્ણ ચંદ્રક જીતનાર ચોથો ભારતીય વેઈટ લીફ્ટર બની ગયો. ર૧ વર્ષીય રાહુલે કુલ ૩૩૮ કિલો વજન ઉઠાવ્યું જેના કારણે તે ટોચના સ્થાને રહ્યો. આ પહેલા વેઈટ લીફટીંગના ૭૭ કિલોગ્રામ વજન ગ્રુપમાં સતીશકુમાર શિવલિંગમે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતને અત્યારસુધી ચાર ગોલ્ડ મેડલ મળી ચૂક્યા છે અને આ ચારેય વેઈટલીફટીંગમાં જ મળ્યા છે. આ પહેલા સંજીતા ચાનુ અને મીરાબાઈ ચાનુએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. સતીષે સ્નેચમાં ૧૪૪૭ સર્વશ્રેષ્ઠ વજન ઉઠાવ્યું જ્યારે ક્લિન એન્ડ જર્કમાં ૧૭૩નું સર્વશ્રેષ્ઠ વજન ઉઠાવ્યું. કુલ મળીને તેનો સ્કોર ૩૧૭ રહ્યો તેને ક્લિન એન્ડ જર્કમાં ત્રીજા પ્રયાસની જરૂર પડી નહીં. સ્પર્ધાનો સિલ્વર મેડલ ઈંગ્લેન્ડના જેક ઓલિવરે જીત્યો જેણે ૩૧રનો કુલ સ્કોર કર્યો. ઓસ્ટ્રેલિયાના ફાંકોઈસ ઈટુઉંડીએ ૩૦પના કુલ સ્કોર સાથે કાંસ્ય ચંદ્રક કબજે કર્યો. ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે વેઈટલીફ્ટરો સતત આપણને ગૌરવ અપાવી રહ્યા છે.