ભારત અને સમગ્ર વિશ્વમાં વેક્સિનનો પુરવઠો પહોંચાડવા માટે અમે કટિબદ્ધ, અમે સાથે મળીને રસીને વિકસાવવા,
ઉત્પાદન કરવા અને પુરવઠો પૂરો પાડવા કટિબદ્ધ

(એજન્સી) નવી દિલ્હી, તા. ૫
ભારત બાયોટેકના પ્રમુખે સીરમના અદાર પૂનાવાલા સામે આકરા પ્રહાર કર્યા બાદ બંને કંપનીઓ દ્વારા સંયુકત રીતે નિવેદન અપાયું હતું જેમાં ભારત અને વિશ્વમાં કોરોના વેક્સિનનું સરળ રસીકરણ કરવા માટે સંકલ્પ લીધો હતો. એક દિવસ પહેલા સીરમ ઇન્ટસ્ટીટ્યૂટના અદાર પૂનાવાલાએ વેક્સિન અંગે કોર્પોરેટ નિવેદન આપતા જણાવ્યું હતું કે, તેમની ઓક્સર્ડ-એસ્ટ્રાજેનેકા વેક્સિન ભારત બાયોટેકની કોવેક્સિન કરતા વધારે પ્રભાવશાળી છે અને તે વધારે પ્રમાણિત છે. જ્યારે ભારત બાયોટેકના સીએમડી ડો. કૃષ્ણા ઇલ્લાએ તેમના પર આકરા પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે, ઓક્સફર્ડની ટ્રાયલ નકામી છે. જોકે, આ બંને કંપનીઓ જાહેરમાં બાખડ્યા બાદ હવે ભારત અને દુનિયાભરમાં પોતાના ઉત્પાદનનું વેચાણ કરવા માટે એક મંચ પર આવી ગઇ છે. બીજી તરફ સ્વાસ્થ્ય મંત્રાલયે પણ એક પત્રકાર પરિષદ કરીને જણાવ્યું છે કે, ભારતમાં સીરમ ઇન્સ્ટીટ્યૂટની કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિનને ઇમરજન્સી ઉપયોગ માટે લીલીઝંડી આપી દેવાઇ છે પરંતુ જ્યારથી મંજૂરી મળી તેના ૧૦ દિવસમાં જ રસીકરણ શરૂ થાય તેવી તૈયારીઓ આરંભી દેવાઇ છે.
ડીજીસીઆઇ તરફથી મંજૂરી મળ્યા બાદ દેશની બંને કોરોના વેક્સિનનું રસીકરણ ઝડપી બનાવવાની તૈયારીઓ કરી દેવાઇ છે. આ સંદર્ભમાં સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે, ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મળ્યાના ૧૦ દિવસની અંદર જ વેક્સિન લગાવવાનું શરૂ કરી શકાય છે. પત્રકાર પરિષદમાં જણાવાયું છે કે, દેશમાં ૪૧ મોટા વેક્સિન સ્ટોર છે. હેલ્થ કેર અને ફ્રન્ટલાઇન વર્કરને કોવિન એપ પર રજિસ્ટર કરાવવાની જરૂર નથી. તેમનો ડેટા પહેલાં જ સરકાર પાસે છે પરંતુ બાકી લોકોને રજિસ્ટરની જરૂર છે. કોવિન એપ દ્વારા યુનિક હેલ્થ આઇડી જનરેટ કરી શકાય છે. વેક્સિન લગાવીને એક ક્યૂઆર કોડ સર્ટિફિકેટ પણ મળશે. જો કોઇ દેશ કોવિન એપ ઉપયોગ કરવા માગે તો ભારત સરકાર તેમાં મદદ કરશે. ઉલ્લેખનીય છે કે, ડીજીસીઆઇએ ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકા દ્વારા સીરમ ઇન્ટસ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયા સાથે મળીને તૈયાર કરાયેલી કોવિશિલ્ડ તથા ઘરેલુ દવા કંપની ભારત બાયોટેક દ્વારા વિકસિત સંપૂર્ણ સ્વદેશી કોવેક્સિન સામેલ છે. પત્રકાર પરિષદ દરમિયાન સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે સ્પષ્ટતા કરી કે, અમે કોઇ વેક્સિનની નિકાસ પર રોક લગાવી નથી. સ્વાસ્થ્ય મંત્રાલય, ડીજીએફટી અને કોઇએ આ નિવેદન ભારત બાયોટેક અને સીરમે સંયુક્ત રીતે આપ્યું છે. તેમના નિવેદનમાં નિકાસ પર પ્રતિબંધની વાત નથી. તેમણે કહ્યું કે, વેક્સિનને ૩ તારીખે મંજૂરી મળી છે તેના ૧૦ દિવસમાં જ અમે રસીકરણ માટેતૈયાર છીએ. આખરી નિર્ણય સરકારે લેવાનો છે. આ દરમિયાન વેક્સિન બનાવતી કંપનીઓ સીરમ ઇન્ટસ્ટીટ્યૂટ અને ભારત બાયોટેકે સંયુક્ત રીતે નિવેદન આપીને કહ્યું છે કે, તેઓ ભારત અને વિશ્વમાં રસીકરણ માટે તૈયાર છે. નિવેદનમાં કહ્યું કે, અદાર પૂનાવાલા અને ભારત બાયોટેકના ક્રિશ્ના એલ્લાએ સંયુક્ત રીતે રસી વિકસાવવા, ઉત્પાદન કરવા અને પુરવઠો પુરો પાડવા માટે સહમતી વ્યક્ત કરી છે. નિવેદનમાં કહેવાયું છે કે, લોકો અને દેશો માટે રસીના મહત્વને અમે સારી રીતે સમજી શકીએ છીએ અને તેથી જ અમે અમારી કોરોના વેક્સિનનો પુરવઠો આપવા માટે સંયુક્ત રીતે એક મંચ પર આવ્યા છીએ.