(એજન્સી) તા.૨૬
દુનિયાભરમાં કોરોના વાયરસથી મૃત્યુઆંક ૨૦ લાખ સુધી પહોંચી શકે છે. વિશ્વ આરોગ્ય સંગઠને આ વાત કહી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબ્લ્યુએચઓ) એ કહ્યું કે એક સફળ રસી મળવા અને વ્યાપક સ્તર પર લોકોને રસી આપતા પહેલાં કોરોનાથી થનાર મોતનો આંકડો ૨૦ લાખ સુધી પહોંચી શકે છે.
ડબ્લ્યુએચઓએ એમ પણ કહ્યું છે કે જો મહામારીને રોકવા માટે સંગઠિત થઇ પગલાં લેવામાં આવશે નહીં તો મૃત્યુઆંક ૨૦ લાખથી વધુ થઈ શકે છે. આપને જણાવી દઈએ કે અત્યાર સુધી વિશ્વમાં કોરોના સંક્રમણના ૩ કરોડ ૨૭ લાખથી વધુ કેસ થઇ ચૂક્યા છે.
માઇક રયાને કહ્યું કે આપણે કોઈ પણ રીતે મહામારીમાંથી બહાર નીકળી શક્યા નથી. તેમણે એમ પણ કહ્યું કે નવા કેસોમાં યુવાનોને દોષ દેવો જોઈએ નહીં. તેમણે કહ્યું કે આશા છે કે આપણે એકબીજા સામે આંગળી ચીંધીશું નહીં. માઇક રયાને જણાવ્યું હતું કે ઘરોમાં પાર્ટીઓ થઈ રહી છે જેમાં તમામ ઉંમરના લોકો સામેલ લઈ રહ્યા છે. કોરોના વાયરસથી અમેરિકામાં ૨ લાખ ૮ હજારથી વધુ, ભારતમાં ૯૩ હજારથી વધુ, બ્રાઝિલમાં એક લાખ ૪૦ હજારથી વધુ અને રશિયામાં ૨૦ હજારથી વધુ લોકોનાં મોત થયાં છે. સૌથી વધુ સંક્રમણના કેસમાં અમેરિકા ટોપ પર છે જ્યાં કુલ કેસ ૭૨ લાખને પાર કરી ગયા છે. ભારત બીજા નંબર પર છે જ્યાં અત્યાર સુધીમાં ૫૯ લાખ કેસ સામે આવી ચૂકયા છે. રોયટર્સના રિપોર્ટ પ્રમાણે ડબ્લ્યુએચઓનાં ઇમરજન્સી પ્રોગ્રામના વડા માઇક રયાને કહ્યું કે ૨૦ લાખ લોકોનાં મોત એ માત્ર આકારણી નથી, પરંતુ આમ થવાની સંભાવના ખૂબ જ વધુ છે. કોરોના વાયરસ સામે આવ્યા બાદથી અત્યાર સુધીમાં છેલ્લા ૯ મહિનામાં કુલ ૯.૯૩ લાખ લોકોનાં મોત થઇ ચૂકયા છે. ચીનમાં પ્રકોપ શરૂ થવાના નવ મહિના બાદ દુનિયાભરમાં કોરોના વાયરસના સંક્રમણથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા અત્યંત ઝડપથી વધીને ૧૦ લાખ સુધી પહોંચવા જઈ રહી છે. રાયને યુરોપીય લોકોને એ પણ પૂછ્યું કે શું તેઓએ લોકડાઉનની આવશ્યક્તાઓથી બચવા માટે જરૂરી પગલા ભર્યા છે. તેમણે પ્રશ્ન કરતા કહ્યું કે શું તમામ વિકલ્પ લાગુ કર્યા હતા. જેમ કે, પરીક્ષણ અને ટ્રેસિંગ, ક્વોરન્ટીન, આઈસોલેશન, સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક પહેરવું અને હાથ ધોવા.