(એજન્સી) તા.૭
શુક્રવારથી દેશભરમાં કોરોના વેક્સિન માટે બીજું ડ્રાય રન શરૂ કરવામાં આવશે. જો કે મોટાપાયે વેક્સિનેશન અભિયાન ચલાવવા માટે તેનાથી કેન્દ્ર સરકારને મદદ મળશે અને સ્વાસ્થ્ય વિભાગને પણ સારી એવી મદદ મળશે તેવી આશા વ્યક્ત કરાઈ રહી છે. જો કે હજુ ભારતમાં રસીકરણ અભિયાન શરૂ થવાનું બાકી છે. જો કે તાજેતરમાં કેટલાક નિષ્ણાંતોએ ચેતવણી ઉચ્ચારી છે કે ભારતમાં બે કોરોના વેક્સિનને મંજૂરી આપી દેવામાં આવી છે જેમાં કોવેક્સિન અને કોવિશીલ્ડ સામેલ છે. આ બંને વેક્સિનને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે જે સંપૂર્ણપણે ૧૦૦ ટકા ગેરંટી આપતી નથી કે તે કોરોના વાઈરસથી બચાવી જ લેશે. નિષ્ણાંતોનું કહેવું છે કે લોકોએ માસ્ક પહેરવાનું ફરજીયાત રૂપે ચાલુ રાખવું જોઈએ અને તેમણે બીજા લોકોના સંપર્કમાં આવતા બચવાની તાંતી જરૂર છે. ૨૦૨૨ સુધીમાં દેશની મોટાભાગની વસતીને રસીકરણ અભિયાન હેઠળ આવરી લેવાનો પ્રયાસ કરવામાં આવશે. જોકે આગામી ૬-૧૨ મહિના આપણે બધાએ સાવચેત રહેવાની જરૂર છે. રસી આપણને વિશ્વાસ આપી શકશે પરંતુ ૧૦૦ ટકા ગેરન્ટી નહીં આપે એટલા માટે આપણે આપણી જાતને જાતે જ બચાવવી પડશે અને કોરોનાના દિશા નિર્દેશોનું પાલન કરતા રહેવું પડશે. મુંબઈની હિન્દુજા હોસ્પિટલના ક્રિટિકલ કેર હેડ ડૉ. ભદ્રેશ દેઢિયાએ આ ટિપ્પણી કરી હતી. બીજી બાજુ ચેપી રોગોના કન્સલ્ટનન્ટ ડૉ. માલા કનેરિયાએ કહ્યું કે જે વ્યક્તિને પણ વેક્સિન મળી જાય તેણે પણ ફરજિયાતરૂપે માસ્ક પહેરતા રહેવું પડશે.