અમદાવાદ, તા.૧

શહેરમાં પતિ-પત્ની વચ્ચેના ઝઘડાના કિસ્સા બનતા હોય છે. જેમાં ઘણા કિસ્સા ચોંકાવનારા હોય છે. ત્યારે અમદાવાદમાં આવો જ એક કિસ્સો વેજલપુર વિસ્તારમાં બન્યો છે. જેમાં પત્નીએ પોતાના જન્મદિવસે પતિને સરપ્રાઈઝ આપવા ઘરે બોલાવ્યા હતા. પરંતુ ઘરે આવેલા પતિએ ધંધાના સમયે કેમ બોલાવ્યો કહીને પત્નીને વાળ પકડીને માર મારવા લાગ્યો હતો. જન્મદિવસે જ શુભેચ્છા આપવાના બદલે મારઝુડ કરતા પતિ સામે પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

વિગતવાર વાત કરીએ તો વેજલપુર વિસ્તારમાં રહેતી પરિણીતાને સોમવારે જન્મ દિવસ હતો. પોતાના જન્મ દિવસે તે તેના માતાપિતાના ઘરે મળવા ગઈ હતી. જન્મ દિવસ હોવાથી પોતે ખૂબ ખુશ હતી. તેની માતાએ પણ પોતાની દીકરીનો જન્મ દિવસ મનાવવા માટે ઘરે કેક લાવવા માટે વ્યવસ્થા કરી હતી. જન્મદિવસ ઉજવવા માટે ઘરમાં તૈયારી થઈ રહી હતી. આ સમયે પરિણીતાએએ તેના પતિને ઘરે બોલાવીને સરપ્રાઈઝ આપવાનું નક્કી કર્યું હતું.

તેની માતાએ જમાઈને ફોન કરીને પોતાના ઘરે બોલાવ્યા હતાં. જેથી પતિ થોડા સમયમાં ઘરે પહોંચ્યો હતો અને સસરાના ઘરે જતાની સાથે જ ઘરમાં પરિણીતાના જન્મદિવસની તૈયારીઓ જોઈને તેને કોઇપણ વાત કરતા પહેલા તેને વાળ ખેંચીને માર મારવાનું શરૂ કરી દીધું હતું. જેથી પતિ સતત તેને કહેતો હતો કે, ધંધાના સમયે કેમ મને બોલાવ્યો અને આવું બોલતો બોલતો તેને માર મારતો હતો. જન્મદિવસે જ પતિએ માર મારતા પરિણીતાએ તેના પતિની સામે વેજલપુરમાં પોલીસને જાણ કરી હતી. આ સમગ્ર મામલે હાલ વેજલપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.