અમદાવાદ,તા.૩૦
અમદાવાદમાં બિલ્ડર સાથે જ છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ત્રણ ફલેટના ખોટા દસ્તાવેજો બતાવી બિલ્ડર સાથે ઠગાઈ આચરનારા ચાર આરોપી સામે ફરિયાદના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ પાલડી ખાતે રહેતા મોહંમદ આસીમ પુઠાવાલાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી છેતરપિંડીની ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ જુહાપુરા ખાતે એસ.એન.એ. ઈન્ફ્રા પ્રા.લિ.ના કંપનીના નામે બિલ્ડીંગ કન્સ્ટ્રકશનનો વેપાર કરે છે. તેમની કંપનીમાં તેઓની સાથે નૌશાદ જકીઉદ્દીન રંગુની અને સાજીદ મેમણ મળીને કુલ ત્રણ ડાયરેકટર છે. ત્યારે કંપનીના ડાયરેકટર નૌશાદ રંગુની તથા ઝોયેબ ઈસ્માઈલ મન્સુરી, નાહીદ ઝોયેબ મન્સુરી અને ઈરમ ઈસ્માઈલ મન્સુરીએ સાથે મળીને કંપનીએ બનાવેલા ફલેટો પચાવી પાડવાનું કાવતરૂં ઘડી કાઢયું હતું. કંપની દ્વારા એલિસબ્રિજ ખાતે બનાવેલા અલ-અર્શ ઈટર્નલ હોમ્સ ફલેટમાં બે ફલેટ અને ફતેહવાડીના અલ-અર્શ ૩માં એક ફલેટ મળીને ત્રણ ફલેટ પચાવી પાડવા કંપનીના ડાયરેકટર નૌશાદ રંગુનીએ વર્ષ ર૦૧૪થી ષડયંત્ર રચીને ત્રણેય ફલેટના ખોટા દસ્તાવેજો બનાવી ફલેટો પડાવી લઈ છેતરપિંડી આચરી છે. ત્યારે કંપની અને ડિરેકટરો સાથે છેતરપિંડી આચરનારા નૌશાદ રંગુની, ઝોયેબ મન્સુરી, નાહીદ મન્સુરી અને ઈરમ મન્સુરી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા વેજલપુર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં આવી છે. વેજલપુર પોલીસે ફરિયાદના આધારે ચારેય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે.