(એજન્સી) વેનેઝૂએલા, તા.ર૯
વેનેઝૂએલાના પાલેનસીઆ શહેરના પોલીસ સ્ટેશનની કેદીઓની કોટડીમાં થયેલા રમખાણો અને આગચંપીના બનાવોમાં ૬૮ લોકોએ જીવ ગુમાવ્યા હતા. તેમ સરકારી સૂત્રોએ જણાવ્યું છે. પોલીસ ચોકીની બહાર ઊભેલા પરિવારો સારા સમાચારોની આશા રાખીને બેઠા હતા તેમને ટીયર ગેસના સેલ છોડી ભગાડી મૂક્યા હતા. સાંજ સુધી તંત્રએ કોઈ માહિતી આપી ન હતી. સરકારી પ્રોસીક્યુટરે આ ઘટનાની તાત્કાલિક ઉંડી તપાસની ખાત્રી આપી હતી. ડઝનો પરિવાર આ દુઃખદ ઘટનાથી શોકગ્રસ્ત બની ગયા હતા. આ દુઃખદ ઘટના કેવી રીતે બની તેની તપાસ થશે. વેનેઝૂએલાની જેલોમાં નામચીન ગુનેગારો ઠસોઠસ ભરેલા છે. જેમની પાસે શસ્ત્રો અને કેફી દ્રવ્યો છે. રમખાણોમાં ડઝનો માર્યા ગયાના કિસ્સા સામાન્ય છે. જેલોમાં અરાજકતા અને ગેરશિસ્ત પ્રવર્તે છે. જેલોમાં માફિયા તત્ત્વો મશીનગનો અને ડ્રગ્સ સાથે રહે છે. આ ઘટના બાદ રાજ્યમાં શોક જાહેર કરાયો છે. સરકારી સૂત્રોએ કહ્યું કે ફાયરફાઈટર જેલમાં આગ બુઝાવી રહ્યા છે. અંદર જવાની કોઈ હિંમત કરતું નથી.