કારાકસ,તા.૨
વેનેઝૂએલાના પ્રેસિડન્ટ નિકોલસ માદુરોએ ૩૦ દિવસો સુધી વીજળીના રાશનિંગની જાહેરાત કરી છે. નેશનલ ટીવીમાં પોતાના સંબોધનમાં તેઓએ લોકોને સહયોગની અપીલ કરી છે. માદુરોએ કહ્યું કે, તેઓને ખ્યાલ છે કે, વીજળી સંકટના કારણે ઘણાં બધા લોકો તેઓને જોઇ શકતા નથી. પરંતુ તેઓ આ સમસ્યાનો ઝડપથી ઉકેલ લાવશે. વેનેઝૂએલામાં છેલ્લાં બે મહિનાથી રાજકીય સંકટ ઘેરાયું છે. વિરોધ પ્રદર્શનોના કારણે આખા દેશમાં બ્લેકઆઉટની સ્થિતિ પેદા થઇ છે. જેના કારણે આખા દેશની સ્કૂલો અને કારખાનાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. સ્થિતિ એવી છે કે, વેનેઝૂએલામાં આ સમયે તેલ સસ્તું અને પાણી મોંઘુ થઇ ગયું છે.
વીજળીના રાશનિંગનો અર્થ તેનું સંરક્ષણ કરવાનો છે. વેનેઝૂએલામાં ગંભીર વીજળી સંકટના કારણે લોકોને પાણી સુદ્ધાં નથી મળી રહ્યું. સરકાર વીજળીનું સંરક્ષણ કરીને સૌથી પહેલાં લોકો સુધી પાણી પહોંચાડવાનું કામ કરશે. ઉર્જા સંરક્ષણનું પગલું ઇમરજન્સીના સ્થિતિમાં ઉઠાવવામાં આવે છે.
આ લેટિન અમેરિકન દેશ લાંબા સમયથી આર્થિક મંદી સામે ઝઝૂમી રહ્યો છે. આ દુનિયાના મોટાં ઓઇલ પ્રોડ્યૂસરમાંથી છે. અહીં ક્રૂડ ઓઇલ પાણીથી પણ સસ્તું છે. ગ્લોબલ પેટ્રોલ પ્રાઇઝ.કોમ અનુસાર, અહીં દરેક સમયે તેલની કિંમત પાણીથી અનેકગણી ઓછી છે. એકતરફ લાંબા સમયથી સત્તાધિન માદુરો દેશની અર્થવ્યવસ્થા પાટા પર નથી લાવી શક્યા. ત્યાં તેમના સરમુખત્યારશાહી વલણના કારણે વેનેજૂએલાના અમેરિકા સાથે સંબંધ અત્યંત ખરાબ થઇ ગયા છે. જો કે, તેને રશિયન સંરક્ષણ મળેલું છે.
વિપક્ષ માદુરોને ખુરશી ખાલી કરાવવાની માગણી કરી રહ્યા છે અને તેઓને આર્થિક બરબાદીનું કારણ ગણાવી રહ્યા છે. માદુરો પર વિપક્ષ પોતાના અધિકારોનો દુરૂપયોગ કરવાનો આરોપ પણ લગાવતું રહ્યું છે.