(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૩
શહેરના કતારગામ વિસ્તારમાં રહેતા અને ઓનલાઇન ટિકિટનો વ્યવસાય કરતા વેપારીએ સુરતના કેટલાક લોકોની ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટ્રીક ટિકિટો ઓનલાઇન બુક કરાવી હતી. જો કે, બાદમાં તે પૈકી કેટલી ટિકિટો કેન્સલ થઇ હતી. જેથી યુવાને અમદાવાદમાં તેના ઓફિસના હેડ પાસેથી પૈસા લેવાના નિકળતા હતા. જો કે, રૂપિયા આપવાની જગ્યાએ હેડે હાથ ઊંચા કરી લેતા આખરે યુવાને ચોકબજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ આદરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના કતારગામ ઉદયનગર સોસાયટીમાં રહેતો રજનીકાંત હરીદાસ કિથીરિયા મેડિકલ સ્ટોર તથા ટિકિટ બુકિંગનો વ્યવસાય કરે છે. વેડરોડ પર ત્રિભોવન નગર સોસાયટીમાં આવેલ પારસમણી એપાર્ટમેન્ટમાં દુકાન ધરાવે છે. રજનીકાંત જૂન ૨૦૧૮થી ડિસેમ્બર ૨૦૧૮દરમિયાન સુરતથી લોકોને અલગ-અલગ ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટ્રીક ટિકિટો બુક કરી હતી. જેમાં અમદાવાદથી મેલબોર્ન જવા માટે ત્રણ વ્યક્તિઓની ટિકિટો, મુંબઇથી ટોરેન્ટો (કેનેડા) જવા માટે ચાર વ્યક્તિની ટિકિટ અને દિલ્હીથી સુરત આવવા માટે ૧૨ વ્યક્તિની ટિકિટો બુક કરી હતી. જો કે, આ પૈકી કેટલાક લોકોએ જવાનું બંધ રહેતા ટિકિટો કેન્સલ કરાવી હતી. જેથી રજીભાઇએ કેન્સલ ટિકિટના પૈસા અમદાવાદમાં એસ. જી. રોડ સ્થિત શિવાલિક પ્લાઝામાં ઓફિસ ધરાવતા હિમાશુંભાઇ ઉર્ફે રાકેશભાઇ હાથી પાસેથી કુલ ૫,૦૩,૫૪૭ રૂપિયા લેવાના નિકળતા હતા. જેથી રજનીભાઇએ રૂપિયાની ઉઘરાણી શરૂ કરતા હિમાંશુએ હાથ ઊંચા કરી લીધા હતા અને પૈસા પરત ન આપી તેની સાથે છેતરપિંડી કરી હતી. જેથી આખરે રજનીકાંતે ચોકબજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તેની સામે ગુનો નોંધી તપાસ આદરી હોવાનું જાણવા મળે છે.