અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૧પ મેથી શાકભાજી, ફળ, અનાજ-કરિયાણું તથા અનાજ દળવાની ઘંટી શરતો સાથે શરૂ કરવા જાહેરાત કરી છે. આ માટે વેપારીઓને જે-તે વોર્ડની ઝોનલ ઓફિસમાંથી હેલ્થ સ્ક્રીનિંગ કાર્ડ ઈશ્યુ કરવાનું નક્કી કરાયું છે. આથી ગુરૂવારે વહેલી સવારથી જ વિવિધ વોર્ડની સબ ઝોનલ કચેરીમાં મોટી સંખ્યામાં વેપારીઓ સ્ક્રીનિંગ કરાવવા અને હેલ્થ કાર્ડ લેવા લાઈન લગાવી ઊભા થઈ ગયા હતા પરંતુ તંત્રના સંકલનના અભાવે કેટલાક કચેરીઓમાં તો સ્ટાફ જ આવ્યો ન હોવાથી વેપારીઓ નિરાશ થયા હતા અને ઊહાપોહ મચાવી મુક્યો હતો. બીજી તરફ જમાલપુરના હોટસ્પોટ વિસ્તારમાં ડીસીપી દેસાઈ જાતે વેપારીઓને સમજાવવા આવ્યા હતા. શુક્રવારથી લોકડાઉન હળવું થતાં ફ્રુટ, શાકભાજી કે અનાજ-કરિયાણાની વેપારીઓએ શું તકેદારી રાખવી તેની વિગતે સમજણ આપી હતી.