અમદાવાદ,તા. ૩
શહેરના વાસણા વિસ્તારમાં લાવણ્ય સોસાયટીમાં આવેલા મહાદેવના મંદિરમાં જ ધોળાદહાડે ટ્રાન્સપોર્ટના વેપારી સુરેશ શાહની ગયા મહિને પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારી હત્યા કરવાના ચકચારભર્યા કેસમાં મુખ્ય સૂત્રધાર આરોપી રાજ શેખવાનો પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સાથેનો એક વીડિયો વાયરલ થતાં રાજકારણ ગરમાયું છે અને આરોપી રાજ શેખવાની રાજકારણીઓ સાથેની વગના કારણે હજુ સુધી પોલીસ તેના સુધી પહોંચી શકી નથી તે સહિતના અનેક તર્ક વિતર્કો અને ચર્ચાએ ભારે જોર પકડયું છે. ટ્રાન્સપોર્ટના વેપારી સુરેશ શાહની હત્યાના ચકચારભર્યા કેસમાં શહેર ક્રાઈમ બ્રાન્ચે રેકી કરનારા એલમખાન મુરીદખાન જતમલેક અને રફિક અબ્દુલભાઈ સુમરા બે આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓની પૂછપરછમાં ક્રાઈમ બ્રાન્ચે સુરેશ શાહની હત્યા માટે ૫૦ લાખ રૂપિયાની સોપારી અપાઇ હોવાનો પણ ઘટસ્ફોટ કર્યો હતો. આ સોપારી અમરેલીના રાજ શેખવાએ આપી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. આરોપી રાજ શેખવાના રાજકીય સબંધો હોવાની વાત પણ બહાર આવી છે. સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ રહેલા એક વીડિયોમાં શેખવા લોક ડાયરાના એક કાર્યક્રમમાં ભાજપના ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ સાથે રુપિયાની નોટો ઉછાળતો જોવા મળે છે. આ વિડીયો વાયરલ થયા બાદ હજુ સુધી આરોપી રાજ શેખવાની ધરપકડ નહી થવા પાછળ અનેક તર્ક વિતર્કો અને અટકળો ચાલી રહ્યા છે. વાયરલ થયેલા આ વીડિયોમાં આરોપી રાજ શેખવા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા એક સ્ટેજ પર ઉભા રહી નોટો ઉછાળતા જોવા છે. હવે આ વિડીયો ક્યા અને કયા સંજોગોમાં લેવાયો હતો તે મુદ્દે પણ અનેક પ્રશ્નાર્થ સર્જાયો છે.