(સંવાદદાતા દ્વારા)
વેરાવળ, તા.૧૧
વેરાવળના છેવાડે આવેલ પાલિકાના કમ્પોઝ યાર્ડમાં શહેરભરમાંથી એકત્ર થતો કચરો ઠાલવવામાં ડોર ટુ ડોર કચરા કલેક્શનના કોન્ટ્રાકટરની ગંભીર બેદરકારીએ તે વિસ્તારના વરસાદી પાણીના નિકાલના કુદરતી વહેણ બંધ કરી આજુબાજુના ખેતરોમાં ભરાયેલ પાણીનો નિકાલ ન થતો હોવાથી ખેડૂતો રોષે ભરાયા છે. આજે ખેડૂતોએ એકત્ર થઇ કમ્પોઝ યાર્ડમાં કચરો ઠાલવવા આવતા પાલિકાના વાહનોને રસ્તા પર અટકાવી દઇ હોબાળો કર્યો હતો. જેના પગલે પાલિકા અધિકારીઓ સ્થળ પર દોડી જઇ મામલો થાળે પાળવા પ્રયાસ કર્યો હતો. વેરાવળમાં તાલાલા બાયપાસ ચોકડી પાસેના વાડી વિસ્તારમાં પાલિકાનું કમ્પોઝ યાર્ડ આવેલુ છે. જેમાં વર્ષોથી જોડિયા શહેરમાંથી દરરોજ એકત્ર થતો કચરો ઠાલવવાની કામગીરી પાલિકા કોન્ટ્રાકટ થકી કરાવી રહ્યુું છે. આ કમ્પોઝ યોર્ડમાં પાલિકા તંત્ર અને તેના કચરા કલેક્શનના કોન્ટ્રાકટરની ગંભીર બેદરકારીના કારણે યાર્ડની આજુબાજુમાં ખેતરો ધરાવતા ખેડૂતો ભારે મુશ્કેલી સહન કરી રહયા છે. દરમિયાન મુશ્કેલીથી તોબા પોકારી રોષે ભરાયેલા ખેડૂતોએ આજે કમ્પોઝ યાર્ડમાં કચરો ઠાલવવા આવતા પાલિકાના ટ્રેક્ટર, છોટા હાથી સહિતના દસથી વધુ વાહનોને રસ્તા પર અટકાવી હોબાળો મચાવ્યો હતો. જેના પગલે પાલિકાના સેનીટેશન વિભાગના અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. જ્યાં રોષે ભરાયેલા ખેડૂતોએ અધિકારીઓનો ઉધડો લીધો હતો તો બીજી તરફ કમ્પોઝ યાર્ડમાં પાલિકા તંત્રની ઘોર બેદરકારી જોવા મળી હતી. જેમાં નિયમોનુસાર મેડિકલ વેસ્ટના જથ્થાના નિકાલની અલગ રીત હોય છે. જેના બદલે કોરોનાની પીપીઈ કીટ અને મેડિકલ વેસ્ટનો કચરો યાર્ડમાં ઠાલવવામાં આવેલ હોય તેમ તેનો જથ્થો જોવા મળતો હતો. આ ગંભીર બેદરકારીના કારણે યાર્ડની આજુબાજુના વાડી વિસ્તાર અને સોસાયટીના રહેવાસીઓ પર મોટું જોખમ તોળાતું હોવાથી લોકોમાં રોષ જોવા મળતો હતો.