માધવપુર ઘેડ, તા.૧૯
ખેતીવાડીના વીજ કનેકશન માટે ખેડૂતોને વર્ષો બાદ વારો આવે છે ત્યારે ગીર સોમનાથના વેરાવળ તાલુકાના ગોવિંદપરા ગામના ખેડૂતનું મંજૂર થયેલ વીજ કનેકશન ખોટી સહી સાથે અન્યને ફાળવી દેવામાં આવ્યું છે. જો કે, આ કનેકશનનું બીલ ગોવિંદપરા ગામના જ મૂળ અરજદારના નામે આવતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. Gir Somnath જિલ્લાના ગોવિંદપરા ગામે રહેતા શબ્બીરહુસેન સુમરાએ પ્રભાસપાટણ પોલીસ સ્ટેશનમાં નોંઘાવેલ ફરિયાદ મુજબ તેમના પિતા યુસુફ નથુભાઇ સુમરાએ વર્ષ ૨૦૦૩માં માંગેલ ખેતીવાડીનું વીજ કનેકશન જે ૨૦૧૨માં મંજૂર થયું હતું. જો કે આ કનેકશન તેમના ખેતરમાં આપવાના બદલે પ્રભાસ પાટણ વીજ કચેરીના તત્કાલિન ડે.ઇજનેર જે.સી.રૈયાણી અને જુનિયર ઇજનેર ડી.ડી.ડોડિયા સહિતના સ્ટાફે કૌભાંડ આચરી ઇકબાલહુસેન રાઠોડ નામના ખેડૂતને આપી દીધું હતું. જયારે, મૂળ અરજદાર યુસુફભાઇ વીજ કનેકશનની રાહ જોઇ રહ્યા હતા. જો કે, વર્ષ ૨૦૧૭માં આ વીજ કનેકશનનું વીજબીલ જયારે તેમને મળ્યું ત્યારે તેઓ ચોંકી ઉઠયા હતા અને તપાસ કરતાં તેમના નામે મંજૂર થયેલ વીજ કનેકશન અન્યને આપી દેવામાં આવ્યું હતું. આ બાબતે અનેક અરજી અહેવાલ બાદ કોઇ જવાબ નહીં મળતા અંતે યુસુફભાઇના પુત્ર દ્વારા માહિતી અધિકાર હેઠળ મહિતી માંગવામાં આવી હતી. જેમાં પણ સ્થાનિક અને સર્કલ કચેરી દ્વારા માહિતી ન આપી કૌભાંડને દબાદવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે, આખરે માહિતી આયોગમાં ફરિયાદ કરતાં અરજદારને માહિતી આપવામાં આપવામાં આવી હતી કે (આ વીજ કનેકશનમાં મૂળ અરજદાર યુસુફભાઇ સુમરાની ખોટી સહી સાથેનું બાંહેધરી પત્ર સહિતના બોગસ દસ્તાવેજો મળી આવેલ અને પીજીવીસીએલના અધિકારીઓએ ષડયંત્ર રચી આ કનેકશન અન્યને આપી દીધાનું સામે આવતાં અંતે અરજદારના પુત્ર શબ્બીરહુસેન દ્વારા પ્રભાસપાટણમાં ફરિયાદ નોંધાવી છે. પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા કૌભાંડ આચરવામાં આવેલ હોવાની લેખિત ફરિયાદ શબ્બીરહુસેન દ્વારા એક વર્ષ અગાઉ પ્રભાસપાટણ પોલીસમાં આપેલ હોવા છતાં કયાંકને કયાંક આરોપીઓને છાવરવાના પ્રયાસના ભાગરૂપે યેનકેન પ્રકારે ગુનો નોંધવામાં આવતો નહી. જેથી ફરીયાદી શબ્બીર હુસેનને મુખ્યમંત્રીના સ્વાગત ઓનલાઈન ફરિયાદમાં ફરિયાદ કરવાની ફરજ પડી છે. જેમાં જિલ્લા કલેકટર દ્વારા ગુનો નોંધવાના આદેશ કરવામાં આવ્યા છે.) આમ, આખરે એક વર્ષ બાદ પોલીસે આ પ્રકરણમાં પ્રભાસપાટણ સબ ડિવિજનના તત્કાલીન ડે.ઇજનેર જે.સી.રૈયાણી, જુનિયર ઇજનેર ડી.ડી.ડોડિયા, બોગસ વીજ કનેકશન મેળવનાર ખેડૂત ઇકબાલ સુલતાન રાઠોડ સહિત દસ આરોપીઓ વિરૂદ્ધ છેતરપિંડી અને ષડયંત્ર સહિતની કલમ અન્યવે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ ગુનાની તપાસ ચલાવતા અધિકારી જે.બી.ચાવડના જણાવ્યા મુજબ આ ગુનામાં ખોટી સહી કરી બનાવટી બાંહેધરી પત્ર ઉભું કરેલ હતું જેથી, હેન્ડરાઇટીંગ એક્ષપર્ટની મદદ મેળવી આગળની તપાસ હાથ ધરવામાં આવશે. સરકારી તંત્રમાં ચાલતી લાલીયાવાડીના દાખલારૂપ આ કિસ્સામાં ફરિયાદી ખેડૂત પુત્રને અનેક લેખિત મૌખિક ફરિયાદ અને વર્ષો બાદ ન્યાય મેળવવા માટેનો માર્ગ મોકળો થયો છે. આ કિસ્સામાં ફરિયાદએ હિંમત ન હારતા આખરે પોલીસને ગુનો નોંધવાની ફરજ પડી છે. ત્યારે સામાન્ય અરજદારોની શું સ્થિતિ થતી હશે તે એક સવાલ છે. હાલ તો ફરિયાદી દ્વારા આ ગુનાના આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.