વેરાવળ, તા. ૧૫
વેરાવળની ફીશ કંપનીમાં છ દિવસ પૂર્વે ચાર લાખની રોકડ રહેલ તિજોરીની થયેલ ચોરીનો ભેદ એલસીબી પોલીસે સીસીટીવી અને બાતમીના આઘારે ઉકેલયો છે. આ ચોરીમાં સંડોવાયેલ કંપનીના પૂર્વ કર્મચારી સહિત ચાર તસ્કરોને ચોરી થયેલ ચાર લાખની રોકડ, તિજોરી સહિતના મુદામાલ સાથે ઝડપી લઇ વઘુ તપાસ હાથ ઘરી છે.
જીલ્લા પોલીસવડા રાહુલ ત્રપિાઠીએ જણાવેલ કે, વેરાવળ જીઆઇડીસીમાં આવેલ કેસ્ટલોક કંપનીમાં છ દિવસ પૂર્વે તા.૮ ફેબ્રુઆરીની રાત્રી દરમ્યાન ચોરી થઇ હતી. જેના પગલે પોલીસની જુદી-જુદી ટીમોએ તપાસ શરૂ કરી હતી. જેમાં એલસીબી પીએસઆઇ કે.જે.ચૌહાણએ જીઆઇડીસી વિસ્તારના સીસીટીવી ફુટેજો ખંગાળતા તા.૮ ફેબ્રુ.ની રાત્રી દરમ્યાન બે બાઇક પર ચાર શંકમદ શખ્સો જઇ રહેલ નજરે પડેલ હતા. જેમાં એક બાઇકમાં વચ્ચે તિજોરી જેવું દેખાતુ હતુ. જેના આઘારે એલસીબીના બાતમીના આઘારે હાજી ઇબ્રાહીમ કેશરીયા, અસ્લમમીયા અશરફમીયા અલ્વી, અફતાબ સતાર ચૌહાણ, સજાદ સલીમ બેલીમ ચારેય લેવાયા હતા. ચારેય તસ્કરો પાસેથી ચોરી કરેલ તિજોરી તથા રોકડ રૂ.૪,૧૦,૦૦૦ અને ચોરીમાં ઉપયોગ કરાયેલ બે બાઇક, ઇલેકટ્રીક કટર, હથોડી, લોખંડની સીણી, સળીયો, તણીપાનુ, કાલા હીટ સ્પ્રે સહિતનો મુદામાલ જપ્ત કરવામાં આવેલ હતો. ઝડપાવેલ આરોપીઓએ ઉપરોકત ગુનો કર્યાની કબુલાત કરી હતી.