વેરાવળ, તા.૫
વેરાવળમાં જી.આઇ.ડી.સી. વિસ્તારમાં આવેલ એક ફિશ કંપનીમાં આજે બપોરના સમયે એમોનીયા ગેસની પાઇ૫લાઇન લીકેજ થતાં કંપનીમાં કામ કરતાં ૩૩ જેટલા લોકોને ઝેરી ગેસની અસર થતાં વેરાવળ સિવિલ હોસ્પિટલ અને ખાનગી હાસ્પિટલમાં સારવારમાં ખસેડેલ હતા. આ તમામ હાલ ભયમુકત હોવાનું જાણવા મળેલ છે. આ બનાવ અંગે જાણવા મળેલ વિગત મુજબ વેરાવળમાં જી.આઇ.ડી.સી. વિસ્તારમાં આવેલ જગદીશ મરિન નામની કંપનીમાં આજે બપોરે બાર વાગ્યા આસપાસ એમોનીયા ગેસની પાઇપલાઇન અચાનક લીકેજ થતાં તેમાંથી ગેસ બહાર નીકળવા લાગતા આ કંપનીમાં કામ કરતા લોકોને ઉલ્ટી તથા માથુ દુઃખાવાની ફરિયાદ ઉઠતા તાત્કાલિક વેરાવળ સિવિલ હોસ્પિટલમાં તેમજ ખાનગી હોસ્પિટલ શિવમમાં સારવારમાં ખસેડેલ હતા. આ બનાવની જાણ થતા વેરાવળથી ફાયરબ્રિગેડના મનસુખભાઇ, હરસુખભાઇ, રામજીભાઇ, હરીભાઇ નારણ, હરીભાઇ પ્રેમજી, પ્રવિણભાઇ સરકાર સહિતના તાત્કાલિક સ્થળ ઉ૫ર દોડી ગયેલ અને એક મોટો તથા બે મીની ફાયટર દ્વારા આશરે બે કલાક સુઘી પાણીનો મારો ચલાવેલ હતો. આ ગેસ ગળતરના બનાવમાં મૂળ બિહારના અને હાલ જી.આઇ.ડી.સી.માં રહેતા અને મજૂરી કામ કરતા પોલીસ પાસવાન ભગીરથ પાસવાન સહિત ૩૩ જેટલા લોકોને ગેસ ગળતરની ઝેરી અસર થતાં વેરાવળ સિવિલ હોસ્પિટલમાં અને ખાનગી હોસ્પિટલ શિવમમાં સારવારમાં ખસેડેલ જયાં હાલ તમામ ભયમુકત હોવાનું જાણવા મળેલ છે. આ બનાવ અંગે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. મંદરાએ તપાસ હાથ ઘરેલ છે.