વેરાવળ,તા.૧૭
પંદર દિવસ પહેલા વેરાવળના રામપરા ગામે વાડીએ મકાનમાં સુતેલા આધેડ દંપતિની નિદ્રાઘીન અવસ્થામાં રાત્રીના ક્રુર હત્યા થઇ હતી. આ બેવડી હત્યા મૃતક દંપતિના આર્થિક ભીંસમાં આવી ગયેલ ૧૮ વર્ષીય પૌત્રએ કરી હોવાનો સનસનીખેજ ખુલાસો થતા તેની ધરપકડ કરી વઘુ તપાસ હાથ ધરી છે. આરોપી પૌત્રએ મૃતક દાદીએ પહેરેલ અંદાજે ૮૦ હજારની કિંમતના દાગીના ઉતારી લઇ જઇ ફાયનાન્સ કંપની અને એક સોની વેપારીને વેંચેલ હોવાનું બહાર આવતા આ તમામ મુદ્દામાલ પોલીસે કબ્જે કરેલ છે.
આ ક્રુર બેવડી હત્યાનો ભેદ ઉકેલ્યા અંગે આજે પોલીસવડા રાહુલ ત્રીપાઠીએ પત્રકાર પરીષદ યોજી માહિતી આપતા જણાવેલ કે, વેરાવળના રામપરા ગામે સીમમાં આવેલ વાડીએ રહેતા રામભાઇ સીદાભાઇ ભાદરકા અને તેમના પત્ની લક્ષમીબેન તા.૩ માર્ચના રાત્રીના નિદ્રાઘીન હતા. તે સમયએ કોઇ અજાણ્યા હત્યારાએ બંન્નેને કુહાડાના આડેધડ ઘા ઝીકી ક્રુર હત્યા કરી હોવાની પ્ર.પાટણ પોલીસમાં ફરિયાદ નોંધાતા તપાસ શરૂ થઇ હતી. આ હત્યાનો ભેદ ઉકેલવા એએસપી અમિત વસાવા, એલસીબી પીઆઇ કે.જે. ચૌહાણના નેતૃત્વ હેઠળ ચારેક ટીમો બનાવી જુદી-જુદી દિશામાં તપાસ શરૂ કરી હતી. જેમાં ઘટનાના દસેક દિવસ બાદ લોકલ બાતમીદારની માહિતી તથા ટેકનીકલ સર્વેલન્સના ડેટા પરથી મૃતકના પરિવારમાંથી જ કોઇએ ઘટનાને અંજામ આપ્યું હોવાનું જણાયું હતું. જેથી પરિવારજનોની પુછપરછ હાથ ધરતા મૃતકના મોટા પુત્ર દેવશીભાઇ ભાદરકાનો પુત્ર રોહિત (ઉ.વ.૧૮) શંકાના દાયરામાં આવેલ હોવાથી તેની અટક કરી આગવીઢબે પુછપરછ કરતા ચોકાવનારી હકકીતો બહાર આવી હતી. જેમાં રોહિતે દાદા-દાદીની હત્યા કરી હોવાની કબુલાત આપી. કેફીયત વર્ણવી હતી.
વધુમાં આરોપી હત્યારો પૌત્ર રોહિત ધો.૧૨ સાયન્સ નાપાસ હોવાની સાથે વેરાવળની હોસ્પિટલમાં કમ્પાઉન્ડરનું કોન્ટ્રાકટર પર કામ કરતો હતો. તેને અગાઉ કરેલ બેએક છુટક ધંધામાં નુકશાની જતા રૂા.૪૦ હજાર જેવું કર્જ હોવાથી આર્થિકભીંસમાં હતો. આ ઉપરાંત ઘટનાના થોડા સમય અગાઉ રોહિતને તેના દાદી લક્ષ્મીબેને વાડીએ ન આવવા ઠપકો આપેલ હતો. આ બંન્ને કારણોના લીધે રોહિતે દાદીની હત્યા કરી સોનાના દાગીના લૂંટવાનો પ્લાન ઘડયો હતો. પ્લાન મુજબ જ તા.૩જીની રાત્રે રોહિત વાડીએ મકાનમાં ગયેલ ત્યારે ત્યાં પડેલ કુહાડો લઇ પ્રથમ ઘા દાદીને મારી મોતને ઘાટ ઉતારી દીધેલ તે સમયએ એકાએક દાદા જાગી જતા તે વચ્ચે પડતા દાદા તેમને પણ કુહાડીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દીધા હતા. ત્યારબાદ અંધારામાં દાદીએ પહેરેલ સોનાનો સેટ, કાનમાં પહેરેલ પેઢલા સહિતના દાગીના લઇ નાસી ગયો હતો. રાહિતે મૃતક દાદીના સોનાના દાગીના પૈકી અમુક વેરાવળના એક સોની વેપારીને વેંચી રોકડી કરેલ જ્યારે બાકીના દાગીના એક ફાયનાન્સ કંપનીમાં મુકી લોન લીધી હોવાનું જાણવા મળેલ હતું. જેના આધારે સોનાના દાગીના કબ્જે કરવામાં આવેલ છે. હાલ આ બેવડી હત્યામાં મદદગારીમાં અન્ય કોઇ છે કે કેમ તે અંગે વધુ તપાસ ચાલું છે.