આમોદ, તા.૬
વેરાવળમાં મજૂરી કામ કરનારા સીદી બાદશાહ સમાજના બે યુવાનોને હાથપગ બાંધી ઢોર માર મારવાના બનાવથી મુસ્લિમ સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે. ભોગ બનનાર યુવાનોને બેરહેમીથી ટોળા દ્વારા માર મારી તેનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરનાર ગુંડા તત્ત્વો સામે કડક કાર્યવાહી કરવા આમોદના સીદી સમાજ દ્વારા પ્રાંતઅધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર વેરાવળ ખાતે રહેતા અને મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા સીદી સમાજના બે યુવાનોને નજીવી બાબતે દોરડાથી બાંધી ઢોર માર મારવામાં આવ્યો હતો. અમારો સમાજ આદીવાસીમાં સામેલ થતો હોઈ આવા તત્ત્વો અમારા સમાજને નીચો ગણી આવું કૃત્ય આચર્યું છે. આવા કાયદો હાથમાં લેનારાઓને કાયદાનું ભાન થાય તેવી કાર્યવાહી કરવા તેમજ ભવિષ્યમાં અમારા સમાજ સામે આવું કૃત્ય ન કરે તેવી કાર્યવાહી કરવા સરકારને વિનંતી છે.
જો આ ઈસમો સામે તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતનો સીદી સમાજ ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવા મજબૂર થશે. સીદી સમાજ શાંત, માયાળું અને મિલનસાર હોવાથી દરેક સમાજ સાથે તેમના ઘનિષ્ઠ સંબંધો છે. ખેતી, ભારતીય સેના અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા ગુજરાતનું નામ રોશન કરનારા સીદી સમાજના યુવાનો ઉપર આવો ક્રૂર હુમલો શરમજનક બાબત છે. જેથી બેફામ બનેલા આવા તત્ત્વોને પાઠ ભણાવવાની માગણી કરવામાં આવી છે.